દેશભરમાં ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 25 જૂન માટે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવનની આગાહી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાં આગામી કલાકોમાં હવામાન વધુ ખરાબ બની શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 80થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
દેશના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્ર અસર જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય પર્વતીય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં હાલ રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. બીજી તરફ પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના પણ વધુ છે. જેના કારણે સ્થાનિક પ્રશાસનને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ દેશ પર એકસાથે અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય છે. આ જ કારણસર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
હાલમાં મોન્સૂન ટ્રફ રાજસ્થાનથી બિહાર સુધી ફેલાયેલો છે, જે વરસાદી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવી રહ્યો છે. આ ઉપરાંત બંગાળની ખાડી પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. હરિયાણા, ગુજરાત અને લક્ષદ્વીપ વિસ્તારમાં પણ અલગ-અલગ સ્તરે ચક્રવાતી પરિભ્રમણની સ્થિતિ જોવા મળી રહી છે.તેની સાથે ઉત્તર પ્રદેશ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાથી ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. આ તમામ સિસ્ટમોની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના વધુ વિસ્તારોમાં આગળ વધશે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ ઉપરાંત તોફાની પવન પણ મોટી ચિંતા બની શકે છે. 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ થાંભલાઓને નુકસાન થવા અને ખેતીને અસર થવાની શક્યતા છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય પડકારજનક બની શકે છે. ઘણા વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોને પાક અને કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે રાખવાની સલાહ આપવામાં આવી છે.
IMDએ લોકોને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન રહેવા સૂચના આપી છે. ભારે વરસાદ દરમિયાન ઝાડ નીચે ઊભા રહેવું અથવા આશરો લેવો પણ જોખમી સાબિત થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી મજબૂત અને સુરક્ષિત ઈમારતોમાં રહેવું જોઈએ. પ્રશાસને પણ લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની સલાહ આપી છે. વરસાદ અને પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી શકે છે. આગામી થોડા દિવસો દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું જોર વધુ વધવાની શક્યતા છે. તેથી લોકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નજર રાખીને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.