અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઇઝરાયેલને 2.8 અબજ ડોલર (આશરે ₹26,000 કરોડ)ની કિંમતના શસ્ત્રો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું છે. આ પેકેજમાં લગભગ 40,000 ભારે બોમ્બનો સમાવેશ થાય છે. દરેક બોમ્બનું વજન 2,000 પાઉન્ડ અથવા આશરે 900 કિગ્રા છે.
બાઇડેન વહીવટીતંત્ર દ્વારા 2024માં આ બોમ્બનો પુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત શસ્ત્ર પેકેજમાં 20,000 Mk84 બોમ્બ અને 20,000 BLU-117 બોમ્બનો સમાવેશ થાય છે. આ સોદો હજુ સુધી આખરી કરવામાં આવ્યો નથી; અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અંગે કોંગ્રેસને અનૌપચારિક રીતે જાણ કરવામાં આવી છે.
2024માં બાઇડેન વહીવટીતંત્રએ ઇઝરાયેલને આ 2,000-પાઉન્ડના બોમ્બ મોકલવા પર રોક લગાવી હતી. તે સમયે એવી ચિંતા હતી કે ગાઝા જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તેના ઉપયોગથી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર પરત ફર્યા બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. હવે તેમનું વહીવટીતંત્ર આ જ પ્રકારના બોમ્બના મોટા જથ્થા માટે નવો સોદો તૈયાર કરી રહ્યું છે.
ભૂગર્ભ લક્ષ્યોને ભેદવા માટે રચાયેલ કેટલાક બોમ્બ
આ 900 કિગ્રા વજનના બોમ્બના વિવિધ મોડલ છે. કેટલાક બોમ્બ ભૂગર્ભમાં આવેલા સ્થળોને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યા છે, જ્યારે અન્ય જમીનની ઉપર વિસ્ફોટ કરવા માટે છે, જેનાથી વિશાળ વિસ્તારમાં ભારે નુકસાન થાય છે. નિષ્ણાતોએ ગાઝામાં થયેલા હુમલાઓના વીડિયો અને ઘટનાસ્થળેથી મળી આવેલા બોમ્બના ટુકડાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમના મતે ત્યાં અમેરિકામાં બનેલા બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હમાસના ટનલ નેટવર્કને નિશાન બનાવવા માટે કેટલાક બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તેના ઉપયોગને કારણે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં નાગરિકોના પણ મોત થયા હતા.
ટ્રમ્પે અગાઉ પણ અબજો ડોલરના શસ્ત્રો પૂરા પાડ્યા છે
ટ્રમ્પ વહીવટીતંત્રએ ગયા વર્ષે જ ઇઝરાયેલને આશરે 3 અબજ ડોલરના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી હતી. તે પેકેજમાં 35,500થી વધુ ભારે બોમ્બનો સમાવેશ થતો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં ઇઝરાયેલને 6.67 અબજ ડોલરના અન્ય શસ્ત્રોના વેચાણને મંજૂરી આપવામાં આવી હતી.
7 ઓક્ટોબરના હુમલા બાદ ગાઝા યુદ્ધ શરૂ થયું હતું
7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલ વિરુદ્ધ હમાસના નેતૃત્વમાં હુમલો કરવામાં આવ્યો હતો. આશરે ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૧ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલે ગાઝામાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલના આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૭૩,૨૬૪થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ આંકડામાં યુદ્ધવિરામ બાદ માર્યા ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. જોકે અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો, તેમ છતાં ગાઝામાં હિંસા સંપૂર્ણપણે અટકી નથી. ઇઝરાયલના સતત હુમલાઓની સાથે સાથે, હમાસ સાથે સંકળાયેલા લડવૈયાઓ અને ઇઝરાયલી સૈનિકો વચ્ચે હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ છે.