આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના મહાનિર્દેશક રાફેલ મારિયાનો ગ્રોસીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની ટીમ ટૂંક સમયમાં ઇરાનના પરમાણુ કેન્દ્રોનું નિરીક્ષણ કરશે. તેમણે જણાવ્યું કે ઇરાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી મુજબ પરમાણુ સામગ્રી અને પરમાણુ સુવિધાઓની દેખરેખ IAEA દ્વારા જ કરવામાં આવશે અને તેના માટે સ્થળ પર જઈને નિરીક્ષણ કરવું અનિવાર્ય છે. જાપાનના ફુકુશિમા દાઇચી પરમાણુ પ્લાન્ટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગ્રોસીએ જણાવ્યું હતું કે રાજકીય નિવેદનો અને મતભેદો પોતાની જગ્યાએ છે, પરંતુ બંને દેશો વચ્ચે થયેલા કરારમાં સ્પષ્ટ રીતે IAEAની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે નિરીક્ષણ આવતીકાલે થાય, થોડા દિવસ પછી થાય કે બે અઠવાડિયા બાદ થાય, પરંતુ તે ચોક્કસપણે થશે.
IAEA માટે આ નિરીક્ષણ ખાસ મહત્વનું માનવામાં આવે છે કારણ કે તેના હેઠળ ઇરાનના ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમના ભંડારની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ આ યુરેનિયમને ઓછા સંવર્ધિત સ્તરે લાવવાની પ્રક્રિયા, જેને ‘ડાઉન બ્લેન્ડિંગ’ કહેવામાં આવે છે, તેના અમલીકરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે. બીજી તરફ, ઇરાને IAEA પ્રમુખના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી છે. ઇરાનના ડેપ્યુટી વિદેશ પ્રધાન કાઝેમ ઘારીબાબાદીએ જણાવ્યું હતું કે સ્વિટ્ઝરલેન્ડમાં તેમની અને ગ્રોસી વચ્ચે કોઈ બેઠક થઈ નહોતી. તેમણે દાવો કર્યો કે IAEA દ્વારા હાલમાં હુમલો થયેલા પરમાણુ કેન્દ્રો અથવા પરમાણુ સામગ્રીની તપાસ માટે કોઈ સત્તાવાર આયોજન કરવામાં આવ્યું નથી. ઘારીબાબાદીના જણાવ્યા મુજબ, આવી કોઈપણ કાર્યવાહી ત્યારે જ શક્ય બનશે જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચેનો અંતિમ કરાર સંપૂર્ણ રીતે અમલમાં આવશે. તેમણે કહ્યું કે પહેલા ઇરાન પર લાગેલા પ્રતિબંધો દૂર થવા જોઈએ અને ત્યારબાદ જ અન્ય પગલાં અંગે ચર્ચા થઈ શકે છે. તેમના મતે IAEA આ પ્રક્રિયાથી પહેલાં કોઈ કાર્યવાહી કરી શકતી નથી.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાને તેમને ખાતરી આપી છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વધારાનો ટોલ, વીમા વેરો અથવા અન્ય પ્રકારના શુલ્ક લાદવામાં નહીં આવે. જોકે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો આ માહિતી ખોટી સાબિત થશે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા તાત્કાલિક બંધ થઈ શકે છે. હોર્મુઝની ખાડીમાં હાલ હજારો જહાજો અને લગભગ 11 હજાર ખલાસીઓ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અમેરિકા, ઇરાન અને ઓમાન વચ્ચે સંયુક્ત આયોજન પર કામ ચાલી રહ્યું છે. જરૂર પડે તો અન્ય ખાડી દેશોની મદદ પણ લેવામાં આવી શકે છે. હાલમાં હોર્મુઝ વિસ્તારમાં માત્ર મર્યાદિત દરિયાઈ માર્ગો પરથી જહાજોની અવરજવર થઈ રહી છે. અહેવાલો અનુસાર, અગાઉ સુરક્ષા કારણોસર કેટલાક વિસ્તારોમાં સમુદ્રી સુરંગો પાથરવામાં આવી હતી, જેને દૂર કરવાની કામગીરી હજુ ચાલુ છે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા છે. તેમણે અબુધાબીમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બેઠક કરી હતી. રૂબિયો હવે કુવૈત અને બહેરીનની મુલાકાત લઈને પ્રાદેશિક સુરક્ષા, ઇરાન સાથેના સંબંધો અને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. IAEAના સંભવિત નિરીક્ષણને આગામી દિવસોમાં ઇરાન-અમેરિકા સંબંધો અને પરમાણુ કરારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.