World

જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે

આગામી સમયમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી બની શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના એક રિપોર્ટ અનુસાર, મિડલ ઇસ્ટમાં વધતા ભૂરાજકીય તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુઅલ એટલે કે જેટ ફ્યુઅલના શુદ્ધિકરણનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી શકે છે. તેના કારણે એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે અને તેની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડી શકે છે. રિપોર્ટ મુજબ, એર ટિકિટના ભાવમાં આગામી સમયમાં 25 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. એરલાઇન્સ માટે ઇંધણનો ખર્ચ સૌથી મોટા ખર્ચમાંનો એક હોય છે. જ્યારે જેટ ફ્યુઅલ મોંઘું થાય છે ત્યારે કંપનીઓ માટે વધારાનો ખર્ચ સહન કરવો મુશ્કેલ બને છે, જેના કારણે તેઓ ભાડામાં વધારો કરે છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ જેટ ફ્યુઅલના “ક્રેક સ્પ્રેડ”માં થયેલો મોટો ઉછાળો છે. ક્રેક સ્પ્રેડ એટલે ક્રૂડ ઓઈલની કિંમત અને તેમાંથી તૈયાર થતા પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય રીતે આ તફાવત રિફાઇનરીઓના નફાનું સૂચક માનવામાં આવે છે.

અગાઉ જેટ ફ્યુઅલનો ક્રેક સ્પ્રેડ સામાન્ય રીતે પ્રતિ બેરલ 20 ડોલર કે તેનાથી ઓછો રહેતો હતો. પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલી અનિશ્ચિતતા અને પુરવઠા સંબંધિત પડકારોને કારણે હવે આ આંકડો વધીને સરેરાશ પ્રતિ બેરલ 50 ડોલરથી વધુ પહોંચી શકે છે. જેના કારણે જેટ ફ્યુઅલનું ઉત્પાદન વધુ ખર્ચાળ બનશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર વૈશ્વિક ઊર્જા બજારો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠાને લઈને વધતી ચિંતાઓના કારણે કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો વૈશ્વિક એરલાઇન ઉદ્યોગને મોટો ફટકો પડી શકે છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના અંદાજ મુજબ વર્ષ 2026 દરમિયાન જેટ ફ્યુઅલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 152 ડોલર સુધી પહોંચી શકે છે. આ કિંમત ગત વર્ષની સરખામણીએ લગભગ 70 ટકા વધુ હોવાનું માનવામાં આવે છે.

ભારતમાં પણ તેની અસર હવે જોવા મળી રહી છે. વધતા ફ્યુઅલ ખર્ચને કારણે કેટલીક એરલાઇન્સે ચોક્કસ રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. સાથે જ વધતા ખર્ચનો એક ભાગ મુસાફરો પર નાખવા માટે કેટલીક કંપનીઓએ ભાડામાં વધારો કરવાની શરૂઆત પણ કરી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલ અને જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારો ચાલુ રહેશે તો એરલાઇન્સ માટે નફાકારકતા જાળવવી મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોને વધુ મોંઘી હવાઈ મુસાફરી માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને તહેવારો, વેકેશન અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન એરફેરમાં વધુ વધારો જોવા મળી શકે છે. તેથી મુસાફરીનું આયોજન કરતા લોકો માટે સમયસર બુકિંગ કરાવવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Most Popular

To Top