3 આરોપીઓની ધરપકડ: પાલોદ-કોસંબા વિસ્તારમાં સોલર પ્લાન્ટોને નિશાન બનાવતી ગેંગનો ભાંડો ફૂટ્યો; 180 કિલો કોપર, ઇકો કાર સહિત રૂ.3.60 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સોલર પ્લાન્ટોમાંથી કેબલ ચોરીની સતત વધી રહેલી ઘટનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના ત્રણ શાતિર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ 180 કિલો કોપર, મોબાઇલ ફોન, રોકડ રકમ અને વાહન સહિત કુલ રૂ. 3.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેન્જના આઈજી પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક સમયથી પાલોદ અને કોસંબા વિસ્તારમાં સોલર પ્લાન્ટોમાંથી કેબલ ચોરીની વધતી જતી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ ગુનાઓને ડામવા માટે LCBના પીઆઈ એન.જી. પાંચાણીના નેતૃત્વમાં ખાસ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક નેશનલ હાઈવે-48 પર વોચ ગોઠવી નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન GJ-19-AA-4697 નંબરની ઇકો કારને રોકી તેની તપાસ કરવામાં આવતા કારમાંથી મોટી માત્રામાં ચોરી કરાયેલ કોપર મળી આવ્યું હતું.પોલીસે ઘટનાસ્થળેથી કનુ ઉર્ફે કનૈયા શાંતુભાઈ વસાવા, અજય ઠાકોરભાઈ વસાવા (બંને રહે. શાહગામ) તેમજ બિલાલ અકબર મંસુર (રહે. માંગરોળ)ને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સોલર પ્લાન્ટોમાંથી કેબલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેતરોમાં આવેલા સોલર પ્લાન્ટોને નિશાન બનાવી ત્યાંથી કેબલ ચોરી કરતા હતા. બાદમાં કેબલને સળગાવી તેની અંદરનું તાંબુ અલગ કરીને બજારમાં વેચી નાંખતા હતા. આ રીતે તેઓ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે નફો કમાઈ રહ્યા હતા.
આ આરોપીઓની ધરપકડથી પાલોદ અને કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા કેબલ ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસનું માનવું છે કે વધુ પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓનો પર્દાફાશ થઈ શકે છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,60,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 180 કિલો કોપર, ત્રણ મોબાઇલ ફોન, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઇકો કારનો સમાવેશ થાય છે.તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે આ સમગ્ર ગેંગમાં અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં અજય વસાવા, યોગેશ વસાવા અને અમિત વસાવા નામના ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું બહાર આવ્યું છે. તેમની શોધખોળ માટે સુરત ગ્રામ્ય પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.
ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે પાલોદ પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.સુરત ગ્રામ્ય LCBની આ કામગીરીને મહત્વની સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી સોલર પ્લાન્ટોમાંથી થતી કેબલ ચોરીના બનાવો ખેડૂતો અને પ્લાન્ટ સંચાલકો માટે માથાનો દુખાવો બન્યા હતા. હવે આ ગેંગ ઝડપાતા આવા ગુનાઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.