World

હસીનાની વાપસીની જાહેરાત બાદ બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા

બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય હિંસાની ઝપેટમાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને પગલે રાજધાની ઢાકા સહિત અનેક વિસ્તારોમાં બોમ્બ ધડાકા, આગચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના 64માંથી ઓછામાં ઓછા 28 જિલ્લાઓમાં દેશી બોમ્બ ફૂટ્યા હોવાના અને વાહનોને આગ ચાંપવાના બનાવો નોંધાયા છે. આ હિંસા વચ્ચે વચગાળાની સરકારના પૂર્વ વડા મોહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને પણ આગ લગાવવામાં આવી છે. ગ્રામીણ બેંકની અનેક શાખાઓને પણ નિશાન બનાવવામાં આવી છે. અલગ-અલગ હિંસક ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.

મળતી વિગતો પ્રમાણે, ચટગાંવના પાંચલાઈશ વિસ્તારમાં આવેલા મોહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનના નીચેના માળના એક ખાલી ઓરડામાં આગ લગાવવામાં આવી હતી. જોકે, ઉપરના માળે રહેતા તેમના સંબંધીઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુર સહિતના વિસ્તારોમાં યુનુસ દ્વારા સ્થાપિત ગ્રામીણ બેંકની શાખાઓ અને કચેરીઓને પણ નિશાન બનાવવામાં આવી છે. બેંકના જણાવ્યા પ્રમાણે, 10 નવેમ્બરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 37 શાખાઓ અથવા કચેરીઓ પર આગચંપી કે આગ લગાવવાના પ્રયાસ થયા છે. બીજી તરફ, BNP સાથે જોડાયેલી મિલકતો અને નેતાઓનાં ઘરો પર પણ હુમલા અને આગચંપીની ઘટનાઓ બની છે.

દેશના 28 જિલ્લાઓમાં દેશી બોમ્બના ધડાકા અને વાહનોને આગ લગાવવાના બનાવોએ સુરક્ષા વ્યવસ્થા સામે પડકાર ઊભો કર્યો છે. પશ્ચિમી નરાઈલ જિલ્લામાં BNPની રેલી પર થયેલા હુમલામાં બે સ્થાનિક BNP નેતાઓનાં મોત થયાં હતાં. આ ઉપરાંત ફરીદપુરમાં એક BNP સાથે જોડાયેલા કાર્યકર અને પિરોજપુરમાં બસના એક કર્મચારીનું આગની ઘટનામાં મોત થયું હોવાના અહેવાલ છે. ઢાકામાં પણ બોમ્બ ધડાકા અને આગચંપીની ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.

આ હિંસા પાછળનું મુખ્ય કારણ શેખ હસીનાની સંભવિત વાપસી અને અવામી લીગ દ્વારા જાહેર કરાયેલું લોકડાઉન માનવામાં આવે છે. 5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકારનું પતન થયું હતું અને તેઓ ભારત આવી ગયાં હતાં. ત્યારબાદ વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમને ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ ચુકાદાની વરસી નિમિત્તે અવામી લીગે વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા હતા. હસિનાએ તાજેતરમાં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરતાં રાજકીય તણાવમાં વધારો થયો છે. જોકે, તેમની વાપસી માટે જરૂરી દસ્તાવેજો આપવાની સરકારની મંજૂરી મળી નથી.

મંગળવારે શેખ હસીનાના વતન તુંગીપારામાં અવામી લીગના સમર્થકોની ધરપકડ બાદ ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. સ્થિતિ વણસતાં પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન ખાલી કરવું પડ્યું હતું. આ દરમિયાન પોલીસ વાહનો અને અન્ય મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અવામી લીગે 19 નવેમ્બરે દેશવ્યાપી લોકડાઉનનું એલાન આપ્યું હતું. પાર્ટી પર રાજકીય પ્રવૃત્તિઓનો પ્રતિબંધ હોવા છતાં તેના સમર્થકો દ્વારા વિવિધ સ્થળોએ દેખાવો, રસ્તા રોકો અને વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાને બુધવારે સંસદમાં અવામી લીગને આતંકવાદી સંગઠન ગણાવી લોકતાંત્રિક પક્ષોને એકજૂટ થવાની અપીલ કરી હતી. તેમણે સાંસદોને માત્ર સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે પોતાના વિસ્તારોમાં જઈને કાર્યકરો સાથે મળીને સ્થિતિનો સામનો કરવા જણાવ્યું હતું. સરકાર દ્વારા હિંસા અને તોડફોડની ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

હિંસા રોકવા માટે ગોપાલગંજ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તાઓ પર તપાસ વધારવામાં આવી છે. પોલીસ દ્વારા દેશી બોમ્બના ધડાકા, વાહનોને આગ લગાવવાના બનાવો અને તોડફોડમાં સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે.

ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે ઓડિયો અને વીડિયો પુરાવાના આધારે હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઢાકામાં પોલીસ દ્વારા ધરપકડ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઇસ્લામ નાહિદની પણ અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે, ધરપકડના કુલ આંકડા અંગે અલગ-અલગ અહેવાલોમાં જુદી વિગતો સામે આવી છે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસાએ સરકાર સામે મોટો પડકાર ઊભો કર્યો છે. એક તરફ અવામી લીગ દ્વારા લોકડાઉન અને શેખ હસીનાની વાપસીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ સત્તાધારી BNP અને સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ હવે આગચંપી, બોમ્બ ધડાકા અને જાનહાનિ સુધી પહોંચ્યો છે. આગામી દિવસોમાં સ્થિતિ કાબૂમાં આવે છે કે હિંસાનો વ્યાપ વધુ વધે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top