અમેરિકામાં ટેકનિકલ ખામીને કારણે એપલની અનેક મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાતા હજારો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. iCloud, Apple Pay, App Store, Apple Wallet, Apple Music અને Apple Support સહિતની સેવાઓમાં વિક્ષેપ સર્જાયો હતો. અનેક યુઝર્સને એકાઉન્ટમાં સાઇન-ઇન કરવામાં અને ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. બીજી તરફ, અમેરિકાની અત્યંત સુરક્ષિત ગણાતી નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA)નું કોમ્યુનિકેશન નેટવર્ક પણ ઠપ થઈ જતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.
એપલે પોતાની સેવાઓ ખોરવાઈ હોવાની પુષ્ટિ કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, આંતરિક સોફ્ટવેર અપડેટને કારણે આ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં કોઈ સાયબર હુમલો થયો નથી. એપલના પ્રવક્તાએ પણ આંતરિક સોફ્ટવેર અપડેટને જ ખામીનું કારણ ગણાવ્યું હતું. કંપનીએ મોટાભાગની અસરગ્રસ્ત સિસ્ટમ અને સેવાઓ પુનઃસ્થાપિત કરી હોવાનું જણાવ્યું હતું.
સેવામાં વિક્ષેપને કારણે અનેક યુઝર્સને તેમના એપલ એકાઉન્ટમાં લોગ-ઇન કરવામાં મુશ્કેલી પડી હતી. iCloudની સુવિધાઓ મેળવવામાં પણ અડચણો આવી હતી. આ ઉપરાંત Apple Wallet અને Apple Musicના ઉપયોગ દરમિયાન પણ ફરિયાદો સામે આવી હતી. કેટલાક યુઝર્સને કનેક્શન એરરનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વારંવાર સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરવા છતાં સફળતા મળતી ન હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલ અને ગ્રીસ સહિતના દેશોમાં પણ યુઝર્સને મુશ્કેલી પડી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, તમામ સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં કેટલો સમય લાગ્યો તે અંગે ચોક્કસ વિગતો આપવામાં આવી નહોતી.
આ ઘટનાની સાથે જ અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીનું કોમ્યુનિકેશન નેટવર્ક પણ ડાઉન થયું હતું. દેશની સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કામગીરી સાથે જોડાયેલી આ એજન્સીની સંચાર વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાતાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નેટવર્ક ખોરવાવા પાછળનું ચોક્કસ કારણ અને તેની અસર અંગે વધુ વિગતો સામે આવી નથી.
અમેરિકામાં તાજેતરના સમયમાં વિવિધ મહત્વપૂર્ણ ડિજિટલ અને સંચાર સેવાઓમાં ખામી સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ એર ટ્રાફિક કન્ટ્રોલની સિસ્ટમ ખોરવાતાં ફ્લાઇટ સેવાઓને અસર પહોંચી હતી. આ ઉપરાંત બેન્કિંગ સેવાઓમાં પણ ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ હતી અને દેશની ટોચની આઠ બેન્કોને અસર થઈ હોવાનું જણાવાયું હતું. હવે એપલની સેવાઓ અને NSAના કોમ્યુનિકેશન નેટવર્કમાં સર્જાયેલા વિક્ષેપે ફરી એકવાર મહત્વપૂર્ણ ટેકનિકલ માળખાની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે.