ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતના થોડા કલાકો બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન ગેસ અને બાયોલોજિકલ એટલે કે જૈવિક હથિયારો વિકસાવવા તરફ આગળ વધી રહ્યું હોવાના સંકેતો મળ્યા છે. તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે જો ઈરાન આવાં હથિયારો બનાવશે તો અમેરિકા તેનો સંપૂર્ણ સફાયો કરી દેશે. જોકે, ટ્રમ્પે પોતાના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા કે ઈરાન કયા પ્રકારનાં હથિયારો વિકસાવી રહ્યું છે તે અંગે સ્પષ્ટતા કરી નહોતી.
ઈરાનના કથિત હથિયાર કાર્યક્રમ અંગે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે કેટલાક સંકેતો મળી રહ્યા છે કે ઈરાન ગેસ અને જૈવિક હથિયારો તરફ નજર દોડાવી રહ્યું છે, જે ગંભીર બાબત છે. ઈરાન અન્ય કેટલીક બાબતો પર પણ કામ કરી રહ્યું છે અને અમેરિકા આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમણે ઈરાનના લોકોને ખતરનાક ગણાવતાં ચેતવણી આપી હતી કે જો આવું કંઈ પણ થશે તો અમેરિકા તેમને સંપૂર્ણપણે ખતમ કરી દેશે.
દરમિયાન, ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ચીન અને રશિયાની ભૂમિકા અંગે પણ ટ્રમ્પે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. ચીનના શેનઝેન શહેરમાં પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે શું તેઓ ઈરાન સંઘર્ષનો અંત લાવવા માટે ચીન અને રશિયાની મદદ લેવા માગે છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મદદ માગવા માટે આ બંને દેશો પાસે નહીં જાય. જોકે, ટ્રમ્પે ચીન અને રશિયાના વલણની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંને દેશોએ અમેરિકા પ્રત્યે સકારાત્મક વલણ દાખવ્યું છે, કારણ કે તેમણે કોઈ ગોળીબાર કર્યો નથી કે સમુદ્રમાં પોતાનાં જહાજો પણ તૈનાત કર્યાં નથી. ઈરાન સાથેના સંઘર્ષના ઉકેલ માટે ભવિષ્યમાં ચીન અને રશિયા સાથે કોઈ રાજદ્વારી મંત્રણા થશે કે નહીં તે અંગે ટ્રમ્પે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
બીજી તરફ, ચીનના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે શી જિનપિંગ સાથેના સંબંધોને શાનદાર અને પરસ્પર સન્માન પર આધારિત ગણાવ્યા હતા. તેમણે ચીનમાં પોતાના સ્વાગત અને મુલાકાત દરમિયાન કરવામાં આવેલી મહેમાનગતિની પ્રશંસા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, બેઠકની વ્યવસ્થા અને તેમના સન્માનમાં કરવામાં આવેલું આયોજન અસાધારણ હતું. તેમણે દાવો કર્યો હતો કે ચીનના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આવું આયોજન થયું નથી. ટ્રમ્પે આ સમગ્ર પ્રવાસ અને મુલાકાતને અમેરિકા માટે મોટી જીત ગણાવી હતી.