SURAT

સુરત ભાજપમાં 19 લાખના કથિત સેટલમેન્ટની ચર્ચાથી ખળભળાટ, વોટ્સએપ ચેટ વાયરલ થતાં નેતાઓ સામે આક્ષેપો

સુરત શહેર ભાજપમાં આંતરિક ખેંચતાણ અને એકબીજા સામે આક્ષેપબાજીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મામલે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની ચર્ચા કરતી વોટ્સએપ ચેટ વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના જ કાર્યકરો અને નેતાઓ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આ ચેટમાં વોર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને બે-બે લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા પણ કરવામાં આવી છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. વાયરલ ચેટમાં ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટથી લઈને નાણાંની વહેંચણી સુધીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે લિંબાયત ઝોનની ભૂમિકા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું હોવાની ચર્ચા છે. જોકે, આ તમામ બાબતો હાલ વાયરલ ચેટમાં થયેલી ચર્ચા અને આક્ષેપો પૂરતી જ છે. તેની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ વિવાદમાં જે કોર્પોરેટરના મોબાઇલમાંથી ચેટના મેસેજ મોકલાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તે ભાઈદાસ પાટીલે પોતાના મોબાઇલમાંથી આવા કોઈ મેસેજ મોકલ્યા હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે સમગ્ર મામલે પોતે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આક્ષેપ કરનારા કાર્યકરોએ શહેર ભાજપ સંગઠનને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનો દાવો કર્યો છે. આ મામલે ગંભીર ફરિયાદ કરનારા મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારબાદ આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો છે. ભાજપના જ કેટલાક કાર્યકરો હવે પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરી રહ્યા છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.

વાયરલ ચેટ અને ગંભીર આક્ષેપો છતાં શહેર ભાજપ સંગઠન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પક્ષના જ કાર્યકરો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સંગઠન આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. હવે સવાલ એ છે કે ગેરકાયદે બાંધકામના મામલે ખરેખર 19 લાખ રૂપિયાનું સેટલમેન્ટ થયું હતું કે નહીં, નાણાંની વહેંચણી થઈ હતી કે કેમ, ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાની ચર્ચા પાછળનું સત્ય શું છે અને લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે નહીં? વાયરલ ચેટની સત્યતા અને કથિત નાણાકીય વ્યવહારની નિષ્પક્ષ તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણની હકીકત બહાર આવી શકશે. હવે શહેર ભાજપ સંગઠન આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.

Most Popular

To Top