Science & Technology

NASAનું ‘વોયઝર 1’ એક પ્રકાશ-દિવસ જેટલા અંતરે પહોંચ્યું, 49 વર્ષ પહેલાં કરાયું હતું લોન્ચ

NASAનું સુપ્રસિદ્ધ અવકાશયાન ‘વોયઝર 1’ પૃથ્વીથી લગભગ 26 અબજ કિલોમીટરના અંતરે પહોંચી ગયું છે. તેણે હવે એક “લાઇટ-ડે” (light-day) જેટલું અંતર કાપ્યું છે એટલે કે પ્રકાશ એક દિવસમાં જેટલું અંતર કાપે છે તેટલું અંતર. માનવ-નિર્મિત અન્ય કોઈ પણ વસ્તુ અત્યાર સુધી આટલા દૂરના અંતરે પહોંચી નથી.

“લાઇટ-ડે” એટલે પ્રકાશ દ્વારા 24 કલાકમાં કાપવામાં આવતું અંતર. પ્રકાશની ગતિ પ્રતિ સેકન્ડ લગભગ 3,000,000 કિલોમીટર હોવાથી એક ‘લાઇટ-ડે’ એટલે લગભગ 16 અબજ માઇલ (25.9 અબજ કિલોમીટર) જેટલું અંતર થાય છે.

હવે પૃથ્વી પરથી મોકલવામાં આવેલા રેડિયો સિગ્નલને ‘વોયઝર 1’ સુધી પહોંચવામાં લગભગ 24 કલાક લાગે છે અને ત્યાંથી પ્રતિસાદ પાછો આવવામાં પણ એટલો જ સમય લાગે છે. પરિણામે સંદેશાવ્યવહારની સંપૂર્ણ પ્રક્રિયામાં (આવતા-જતા) લગભગ બે દિવસનો સમય લાગી શકે છે. વર્ષ 1998માં ‘વોયઝર 1’ એ NASAના અન્ય એક અવકાશયાન ‘પાયોનિયર 10’ ને પાછળ છોડીને માનવ-નિર્મિત સૌથી દૂર ગયેલી વસ્તુનું સ્થાન મેળવ્યું હતું. ત્યારથી તે અવકાશમાં સતત આગળ વધી રહ્યું છે.

  • 4 વર્ષના મિશન માટે રચાયેલું આ યાન 49 વર્ષથી કાર્યરત
  • ‘વોયઝર 1’ ને સપ્ટેમ્બર 1977માં અવકાશમાં છોડવામાં આવ્યું હતું અને ત્યારથી તેણે અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે.
  • ‘વોયઝર 1’ નું એક જોડિયા અવકાશયાન પણ છે, ‘વોયઝર 2’, જેને તેના કરતાં 16 દિવસ વહેલું લોન્ચ કરવામાં આવ્યું હતું. વહેલું લોન્ચ કરવામાં આવ્યું હોવા છતાં ‘વોયઝર 2’ હાલમાં પૃથ્વીથી ઓછા અંતરે છે.
  • આનું કારણ બંને માટે પસંદ કરવામાં આવેલા અલગ-અલગ માર્ગો (trajectories) છે. ‘વોયઝર 1’ ને ગુરુ અને શનિ ગ્રહ સુધી ઝડપથી પહોંચવા માટે ટૂંકા અને ઝડપી માર્ગ પર મૂકવામાં આવ્યું હતું.
  • તેની સરખામણીમાં ‘વોયઝર 2’ નો માર્ગ એવી રીતે નક્કી કરવામાં આવ્યો હતો કે તે ગુરુ અને શનિ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહોની પણ મુલાકાત લઈ શકે. શરૂઆતમાં બંને અવકાશયાન માત્ર પાંચ વર્ષ સુધી કાર્યરત રહે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. તેમનું મુખ્ય મિશન ગુરુ અને શનિ ગ્રહોનું અન્વેષણ કરવાનું હતું. જોકે આ બંને યાન અપેક્ષા કરતાં લગભગ 10 ગણા વધુ સમય સુધી કાર્યરત રહ્યા છે. વોયઝર 1 ની તુલનામાં તેનું જોડિયા વોયઝર 2 હાલમાં પૃથ્વીથી લગભગ 4.22 અબજ કિલોમીટર નજીક છે. બંને અવકાશયાન અવકાશમાં અલગ અલગ દિશામાં મુસાફરી કરી રહ્યા છે.

સૌરમંડળની બહારના ક્ષેત્રનું અન્વેષણ
વોયઝર 1 અને વોયઝર 2 હવે ઇન્ટરસ્ટેલર સ્પેસ- તારાઓ વચ્ચેની જગ્યાનો અભ્યાસ કરી રહ્યા છે. બંને અવકાશયાન સૂર્યના ચુંબકીય ક્ષેત્ર દ્વારા રચાયેલા વિશાળ રક્ષણાત્મક સ્તર, હેલિયોસ્ફિયરને પાર કરી ચૂક્યા છે. વોયઝર 1 એ 2012 માં ત્યારબાદ 2018 માં વોયઝર 2 એ આ સીમા પાર કરી હતી.

જોકે આ અવકાશયાન મૂળ ગ્રહોના સંશોધન માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેનો ઉપયોગ ઇન્ટરસ્ટેલર સ્પેસ વિશે માહિતી એકત્રિત કરવા માટે થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો હવે આ વૃદ્ધ મશીનોને એવી કામગીરી કેવી રીતે સોંપવી તે શોધવાના પડકારનો સામનો કરી રહ્યા છે જેના માટે તેઓ મૂળ રીતે ક્યારેય ડિઝાઇન કરવામાં આવ્યા ન હતા.

Most Popular

To Top