National

ફ્લાઇટ્સ રદ, કરોડોનું દેવું અને કર્મચારીઓના પગાર બાકી: શું બંધ થવાના આરે પહોંચી સ્પાઇસજેટ?

દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ એક એરલાઇનની સ્થિતિ કથળી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. એક સમયે ભારતીય હવાઈ બજારમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતી સ્પાઇસજેટ હાલ ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. ફ્લાઇટ્સનું રદ થવું, વિમાનોની અછત, એરપોર્ટ ઓપરેટર્સનાં બાકી લેણાં અને કર્મચારીઓને સમયસર પગાર ન મળવા જેવી સમસ્યાઓના કારણે કંપનીનું સંચાલન ખોરવાયું છે. મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડે છે તો ક્યારેક છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કંપની પર હજારો કરોડ રૂપિયાની જવાબદારીઓ અને કાનૂની દબાણ પણ છે. જોકે, તાજેતરમાં ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી મળતાં કંપનીને ફરી બેઠી થવાની આશા જાગી છે. હવે સવાલ એ છે કે સ્પાઇસજેટ આ સંકટમાંથી બહાર આવી શકશે કે પછી દેશની બંધ થઈ ગયેલી એરલાઇન્સની યાદીમાં વધુ એક નામ ઉમેરાશે?

સ્પાઇસજેટની નબળી કામગીરીની સીધી અસર મુસાફરો પર પડી રહી છે. 17 નવેમ્બરની સાંજે મુંબઈ એરપોર્ટ પર કંપનીની અનેક ફ્લાઇટ્સ મોડી પડી હતી. સાંજે 7 વાગ્યાથી રાહ જોઈ રહેલા મુસાફરોએ કાઉન્ટર પર જઈને નારાજગી વ્યક્ત કરી હતી. મુસાફરોનો આક્ષેપ હતો કે તેમને ફ્લાઇટના સમય અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી રહી નહોતી. મોડી રાત સુધી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત રહી હતી. 18 નવેમ્બરના મુંબઈ એરપોર્ટના શેડ્યૂલમાં પણ સ્પાઇસજેટની કોઈ ફ્લાઇટ લિસ્ટેડ ન હોવાની વિગતો સામે આવી હતી.

આ અગાઉ બાગડોગરાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં ફ્લાઇટનો સમય સાંજે 6થી 8 વાગ્યા સુધી રી-શેડ્યૂલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાત્રે 8થી 10 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. જોકે, અંતે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને કારણે 50થી 70 મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. મુસાફરોનો આરોપ હતો કે એરલાઇને તેમને કોઈ ખાસ સહાય પૂરી પાડી નહોતી. પરિણામે તેમણે પોતાના ખર્ચે મોંઘા ભાવે બીજી ફ્લાઇટની ટિકિટ અને હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવી પડી હતી.

સ્પાઇસજેટની આ સ્થિતિ પાછળનું એક મોટું કારણ કંપની પર વધતું નાણાકીય દબાણ છે. એરપોર્ટ ઓપરેટર્સ, તેલ કંપનીઓ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓનાં લેણાં બાકી હોવાથી અનેક એરપોર્ટ પર કંપની માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેને ‘કેશ એન્ડ કેરી’ સિસ્ટમ હેઠળ મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા પ્રમાણે રૂટ નેવિગેશન ચાર્જ, ટર્મિનલ નેવિગેશન લેન્ડિંગ ચાર્જ અને પેસેન્જર સર્વિસ ફી જેવા ખર્ચની ચુકવણી અગાઉથી કરવી પડે છે. એટલે કે જરૂરી રકમ ચૂકવ્યા બાદ જ એરપોર્ટની સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. રોકડની તંગીનો સામનો કરતી કંપની માટે આ વ્યવસ્થા વધુ મુશ્કેલી ઊભી કરી રહી છે.

દુબઈમાં પણ કંપનીને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દુબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરતી કંપની ડનાટાને સ્પાઇસજેટ દ્વારા 14 મિલિયન યુએઈ દિરહામ ચૂકવવાના બાકી હોવાના કારણે ચેક-ઇન સેવા બંધ કરવામાં આવી હતી. તેના પરિણામે કંપનીએ દુબઈથી ચાર ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ ઘટનાએ કંપનીની નાણાકીય સ્થિતિ અંગે વધુ સવાલો ઊભા કર્યા હતા.

કંપનીની બીજી મોટી સમસ્યા વિમાનોની અછત છે. સ્પાઇસજેટ પાસે આશરે 60 વિમાનો હોવા છતાં તેમાંથી માત્ર 12 વિમાનો જ કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપની દરરોજ આશરે 65 શેડ્યૂલ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, પરંતુ તેમાંથી 15થી 20 ફ્લાઇટ્સ રદ થતી હોવાની અને બાકીની ફ્લાઇટ્સ ત્રણથી પાંચ કલાક મોડી પડતી હોવાની વિગતો સામે આવી છે. વિમાનોની અછત અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓના કારણે ફ્લાઇટ્સનું સમયપત્રક જાળવવું કંપની માટે પડકાર બની ગયું છે.

કર્મચારીઓના પગારનો મુદ્દો પણ કંપનીની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. કર્મચારીઓને ચાર મહિનાથી પગાર મળ્યો ન હોવાનો દાવો છે. તેના કારણે ક્રૂ મેમ્બર્સની અછત ઊભી થઈ છે. 19 સપ્ટેમ્બર 2026ના રોજ દિલ્હીના એરપોર્ટ પરથી ઉપડનારી ચાર ફ્લાઇટ્સ માત્ર એટલા માટે ઉડાન ભરી શકી નહોતી, કારણ કે જરૂરી સ્ટાફ ફરજ પર હાજર નહોતો. કર્મચારીઓને પગાર ન મળવાની સ્થિતિથી કંપનીના રોજિંદા સંચાલન પર પણ અસર પડી રહી છે.

સ્પાઇસજેટની કટોકટીનો અંદાજ તેના ઘટતા માર્કેટ શેર પરથી પણ લગાવી શકાય છે. વર્ષ 2019માં ભારતીય ઉડ્ડયન બજારમાં કંપનીનો હિસ્સો આશરે 15 ટકા હતો, જે 2026માં ઘટીને માત્ર 0.6 ટકા રહી ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન કંપનીની દૈનિક શેડ્યૂલ ફ્લાઇટ્સની સંખ્યા પાંચથી પણ ઓછી થઈ ગઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. બીજી તરફ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ છેલ્લા બે વર્ષથી 100 વિમાનોનો કાફલો બનાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિમાં પૂરતાં વિમાનો ઉપલબ્ધ કરાવવાનું જ કંપની માટે મુશ્કેલ બની રહ્યું છે.

કંપની પર આશરે રૂ.9,000 કરોડનું નુકસાન અને રૂ.6,000 કરોડથી વધુની જવાબદારીઓ હોવાનો અંદાજ છે. આ જવાબદારીઓમાં રૂ.600થી રૂ.650 કરોડ જેટલી રકમ TDS, EPF અને GST જેવી કાનૂની ચુકવણીઓની હોવાનું જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની નેટવર્થ માઇનસ રૂ.2,800 કરોડ નોંધાઈ હતી. આ આંકડા કંપનીની નાણાકીય સ્થિતિ કેટલી નબળી છે તેનો અંદાજ આપે છે.

આશ્ચર્યની વાત એ છે કે સ્પાઇસજેટે છેલ્લા કેટલાક વર્ષોમાં રૂ.5,500 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હોવા છતાં તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. વર્ષ 2023માં કાર્લાઇલ એવિએશનનું 100 મિલિયન ડોલરનું દેવું કંપનીના 7.5 ટકા શેરમાં ફેરવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2024માં કંપનીએ રૂ.744 કરોડ એકત્ર કર્યા હતા. આ ઉપરાંત વર્ષ 2022ના અંતમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) હેઠળ આશરે રૂ.1,000 કરોડની સહાય મળી હતી. સપ્ટેમ્બર 2024માં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા રૂ.3,000 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ એકત્ર કરવા છતાં કંપનીની રોકડની તંગી યથાવત્ રહેતાં ભંડોળના ઉપયોગ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે સવાલો ઊભા થયા છે.

કંપનીની મુશ્કેલીઓમાં હવે શેરબજારની ચેતવણી અને કાનૂની લડાઈનો પણ ઉમેરો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે સ્પાઇસજેટને ચેતવણી આપી છે કે જો 7 ડિસેમ્બર સુધીમાં માર્ચ અને જૂન ત્રિમાસિક ગાળાનાં બાકી નાણાકીય પરિણામો જાહેર નહીં કરવામાં આવે તો 10 ડિસેમ્બરથી કંપનીના શેરમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવી શકે છે. કંપનીએ 13 નવેમ્બરે 7 ડિસેમ્બર સુધીમાં પરિણામો જાહેર કરવાનો વાયદો કર્યો હતો. નાણાકીય વર્ષ 2025-26ની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજવાની સમયમર્યાદા પણ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

સ્પાઇસજેટના નાણાકીય સંકટ પાછળ કંપનીના માલિકી હસ્તાંતરણ અને લાંબી કાનૂની લડાઈનો ઇતિહાસ પણ મહત્ત્વનો છે. જૂન 2010માં કંપનીના સહ-સ્થાપક અજય સિંહ અને અન્ય પ્રમોટર્સે કંપનીનો નિયંત્રણકારી હિસ્સો સન ગ્રુપના માલિક કલાનિધિ મારનને આશરે રૂ.750 કરોડમાં વેચી દીધો હતો. જોકે, વર્ષ 2014ના અંત સુધીમાં કંપની પર હજારો કરોડનું દેવું થઈ ગયું હતું અને તે બંધ થવાની અણી પર પહોંચી ગઈ હતી. કંપનીને બચાવવા માટે જાન્યુઆરી 2015માં કલાનિધિ મારન અને તેમની કંપની KAL એરવેઝે પોતાનો 58.46 ટકા હિસ્સો ફરી અજય સિંહને માત્ર રૂ.2ની કિંમતે વેચી દીધો હતો.

આ સોદા સાથે અજય સિંહે સ્પાઇસજેટ પરનું આશરે રૂ.1,500 કરોડનું દેવું અને રૂ.2,000 કરોડથી વધુની અન્ય જવાબદારીઓ સ્વીકારી હતી. જોકે, ત્યારબાદ શેર ટ્રાન્સફર અને નાણાંની લેવડદેવડ સંબંધિત કરારભંગના મુદ્દે કલાનિધિ મારન અને અજય સિંહ વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ હતી. આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો અને કંપની પર નાણાકીય દબાણ વધતું રહ્યું.

જાન્યુઆરી 2026માં દિલ્હી હાઈકોર્ટે સ્પાઇસજેટને વ્યાજ અને બાકી લેણાં પેટે કલાનિધિ મારનને કુલ રૂ.144.51 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપની પાસે એકસાથે આટલી મોટી રકમ જમા કરાવવાની રોકડ ન હોવાથી તેણે 45 દિવસમાં રૂ.50 કરોડ અને ત્યારબાદના 90 દિવસમાં બાકીની આશરે રૂ.94 કરોડની રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું. જોકે, કંપની આ વચન પૂરું કરવામાં નિષ્ફળ રહી હતી. સ્પાઇસજેટે વધુ સમય માગ્યો હતો, પરંતુ કોર્ટે સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ સુરક્ષા તરીકે ગુરુગ્રામની મિલકત ગીરવે મૂકવાની ઓફર પણ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી નહોતી. કોર્ટના આદેશનું પાલન ન થાય તો બેંક ખાતાં ફ્રીઝ કરવા, સંપત્તિ જપ્ત કરવા અથવા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિ કંપનીની નાણાકીય મુશ્કેલીઓમાં વધુ વધારો કરી શકે છે.

ભારતમાં અગાઉ પણ અનેક એરલાઇન્સ નાણાકીય મુશ્કેલીઓ અને સંચાલન સંબંધિત સમસ્યાઓના કારણે બંધ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે માર્ચમાં સંસદમાં આપેલી માહિતી પ્રમાણે, વર્ષ 2016થી અત્યાર સુધીમાં દેશમાં 11 એરલાઇન્સ બંધ થઈ છે. તેમાં GoFirst, Jet Airways, TruJet, Kingfisher Airlines, Air Costa, Air Pegasus, Deccan Airways, Damania Airways, Modiluft, East West Airlines અને Air Saharaનો સમાવેશ થાય છે. હવે સ્પાઇસજેટની સ્થિતિને જોતાં શું તે પણ આ યાદીમાં 12મી એરલાઇન બનશે તેવો સવાલ ઊભો થયો છે.

જોકે, કંપની માટે આશાનું એક કિરણ પણ દેખાયું છે. 18 નવેમ્બરે યોજાયેલી બોર્ડ બેઠકમાં નાણાકીય સંકટમાંથી બહાર આવવા માટે રૂ.5,500 કરોડનું નવું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ સાથે કંપનીની અધિકૃત શેર મૂડી વધારીને રૂ.7,500 કરોડ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારની ECLGS યોજના હેઠળ તાજેતરમાં રૂ.150 કરોડની સહાય મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

આ જાહેરાતો બાદ શેરબજારમાં પણ કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. 18 નવેમ્બરે સ્પાઇસજેટના શેરમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી અને ભાવ રૂ.9.97 સુધી પહોંચ્યો હતો. છેલ્લા છ દિવસમાં શેરમાં આશરે 30 ટકાનો ઉછાળો નોંધાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, શેરના ભાવમાં થયેલો વધારો કંપનીની નાણાકીય સ્થિતિ સુધરી ગઈ હોવાનો પુરાવો નથી. રૂ.5,500 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના સફળ થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તો કંપનીને ફરી બેઠી થવાની તક મળી શકે છે. પરંતુ હાલ ફ્લાઇટ્સનું સંચાલન, કર્મચારીઓના પગાર, એરપોર્ટનાં બાકી લેણાં અને કાનૂની જવાબદારીઓ જેવા અનેક પડકારો સામે છે. આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં કંપની કેટલી સફળ થાય છે તેના પર જ તેનું ભવિષ્ય નિર્ભર રહેશે.

Most Popular

To Top