FICCIના શતાબ્દી સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કરવાની સાથે વિપક્ષ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સવાર-સાંજ ગાળો આપવાથી દેશ આગળ વધતો નથી. ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને દેશનો વિકાસ દર લગભગ 7 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતના લોકો ઝડપથી ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પણ દેશની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી રહી છે.
મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ અગાઉ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ભારત આર્થિક તબાહીના આરે ઊભું છે. તેમણે કહ્યું હતું કે દેશના યુવાનોને પોતાની ડિગ્રીના આધારે નોકરી મળશે કે નહીં તેનો વિશ્વાસ રહ્યો નથી. પેપર લીકની ઘટનાઓને કારણે વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય બરબાદ થવાની ચિંતા સતાવી રહી છે.
રાહુલ ગાંધીએ દેશમાં રોજગારીની તકો ઘટી રહી હોવાનો અને આર્થિક અસમાનતા વધી રહી હોવાનો પણ દાવો કર્યો હતો. તેમના મતે, આજનું ભારત એવું નથી રહ્યું, જેનો મજબૂત આર્થિક પાયો કોંગ્રેસે દાયકાઓની મહેનતથી તૈયાર કર્યો હતો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે મીડિયા વાસ્તવિકતા દબાવી શકે છે અને વડાપ્રધાન તેનાથી મોં ફેરવી શકે છે, પરંતુ દેશની આર્થિક સ્થિતિ બદલી શકાતી નથી. તેમણે વર્તમાન આર્થિક પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારની નીતિઓને જવાબદાર ગણાવી હતી.
બીજી તરફ, FICCIના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ભારતની નિકાસના આંકડા રજૂ કરીને દેશની આર્થિક પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં ભારતની માલસામાનની નિકાસ લગભગ 50 અબજ ડોલર રહી હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. તેમણે કહ્યું હતું કે ભારતના આર્થિક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મૂડીઝ રેટિંગ્સ, S&P ગ્લોબલ રેટિંગ્સ, ફિચ રેટિંગ્સ, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓએ પણ ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કર્યો છે.
દેશમાં ગરીબી ઘટાડવા અંગે વાત કરતાં વડાપ્રધાને 1970ના દાયકામાં આપવામાં આવેલા ‘ગરીબી હટાવો’ના નારાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તે સમયે ભારતની વસ્તી લગભગ 50 કરોડ હતી. ગરીબી દૂર કરવાની વાત કરવામાં આવતી હતી, પરંતુ નીતિ અને નિયતમાં કમી હોવાને કારણે અપેક્ષિત પરિણામ મળ્યાં નહોતાં. તેમના જણાવ્યા અનુસાર, યોગ્ય નિયત અને નીતિઓ સાથે કામ કરવામાં આવ્યું ત્યારે માત્ર 12થી 13 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
મોદીએ વર્લ્ડ બેંકના અહેવાલનો ઉલ્લેખ કરીને છેલ્લા 12થી 13 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ આંકડો દર્શાવે છે કે ભારત યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને દેશની આર્થિક પ્રગતિમાં સફળતાની સંભાવના છે.
વડાપ્રધાને ભારતીય અર્થતંત્રના છેલ્લા 100 વર્ષના પ્રવાસની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશે લાઇસન્સ-ક્વોટા રાજ, રાષ્ટ્રીયકરણના નિષ્ફળ પ્રયોગો અને 21મી સદીમાં ‘ફ્રેજાઇલ ફાઇવ’ દેશોમાં સામેલ થવા જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. જોકે, છેલ્લા 12 વર્ષમાં યુવાનો, ખેડૂતો, શ્રમિકો અને ઉદ્યોગજગતના લોકોએ સાથે મળીને દેશની આર્થિક સ્થિતિ બદલવામાં યોગદાન આપ્યું છે.
FICCIની સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાને સંસ્થાની લાંબી સફરને પણ બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ સંસ્થા આટલા લાંબા સમય સુધી સક્રિય રહે અને બદલાતા સમય પ્રમાણે પોતાની જાતને વિકસાવતી રહે તે મોટી ઉપલબ્ધિ છે. FICCIએ ભારતીય ઉદ્યોગજગતની અનેક સિદ્ધિઓ જોઈ છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય ઉદ્યોગ આગામી 20 વર્ષમાં શું હાંસલ કરી શકે છે તેના લક્ષ્યો નક્કી કરવામાં આવે.