વૈશ્વિક રાજકારણના ત્રણ દિગ્ગજ નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની એકસાથે બેઠેલી તસવીરને લઈને ભારતમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદી માટે ‘કોમ્પ્રોમાઈઝ્ડ PM’ શબ્દનો ઉપયોગ કરતાં કટાક્ષ કર્યો હતો કે સમજૂતી કરનાર વડાપ્રધાનને આ ટેબલ પર જગ્યા મળી શકે નહીં. રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ વળતો પ્રહાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જો કોંગ્રેસ સત્તામાં હોત તો ભારતના વડાપ્રધાન પણ આ ટેબલ પર બેઠા હોત.’ આ સાથે તેમણે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘કોમ્પ્રોમાઈઝ્ડ PM ક્યારેય આ ટેબલ પર બેસી શકતા નથી.’ આ નિવેદન દ્વારા રાહુલ ગાંધીએ વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિ અને વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા.
આ તસવીરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન એકસાથે બેઠેલા જોવા મળે છે. ચીનના શેનઝેનમાં યોજાયેલી મુલાકાત દરમિયાન ત્રણેય નેતાઓ એકસાથે આવ્યા હતા. APEC સમિટ સહિતની મહત્ત્વપૂર્ણ બેઠકોના સંદર્ભમાં આ મુલાકાત ચર્ચામાં રહી હતી. રાહુલ ગાંધીએ આ તસવીરનો ઉપયોગ કરીને ભારતને વૈશ્વિક સ્તરે મળતા સ્થાન અંગે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કોંગ્રેસના શાસનકાળની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતાં આરોપ લગાવ્યો હતો કે તે સમયે ભારતની વિદેશ નીતિમાં પાકિસ્તાનને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું અને દેશની સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી હતી.
પ્રદીપ ભંડારીએ દાવો કર્યો હતો કે વર્ષ 2013માં ભારત BRICSની સદસ્યતા ગુમાવવાની સ્થિતિમાં પહોંચી ગયું હતું અને વૈશ્વિક કૂટનીતિમાં દેશની ભૂમિકા નબળી પડી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ સરકાર પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી સદસ્યતા ચીનને આપી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. આમ, ત્રણ વૈશ્વિક નેતાઓની તસવીરને લઈને શરૂ થયેલી ચર્ચાએ ભારતના રાજકારણમાં પણ ગરમાવો વધાર્યો છે. એક તરફ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે, તો બીજી તરફ ભાજપે કોંગ્રેસના શાસનકાળની વિદેશ નીતિનો મુદ્દો ઉઠાવીને જવાબ આપ્યો છે.