દેશભરના વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. હવે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) કઢાવવા માટે વારંવાર લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ ઓછી થવાની છે. કેન્દ્ર સરકારે PUC સર્ટિફિકેટની માન્યતાની મુદતમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ BS-VI શ્રેણીનાં ખાનગી અને કોમર્શિયલ વાહનો માટે તેમની ઉંમરના આધારે સર્ટિફિકેટની વેલિડિટી નક્કી કરવામાં આવી છે. ખાસ કરીને છ વર્ષ સુધીનાં જૂનાં ખાનગી BS-VI વાહનો માટે હવે PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 13 નવેમ્બરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું અને નવા નિયમો સમગ્ર દેશમાં અમલી બન્યા છે.
સરકારે વાહનોના પ્રદૂષણના ધોરણો અને ઉંમરને ધ્યાનમાં રાખીને PUC સર્ટિફિકેટની સમયમર્યાદા નક્કી કરી છે. નવા નિયમ મુજબ છ વર્ષ સુધીનાં ખાનગી BS-VI વાહનો માટે PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે છ વર્ષથી વધુ અને દસ વર્ષ સુધીનાં વાહનો માટે દર એક વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. બીજી તરફ, દસ વર્ષથી વધુ જૂનાં ખાનગી BS-VI વાહનોના માલિકોએ દર છ મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું પડશે.
ખાનગી વાહનોની સાથે કોમર્શિયલ વાહનો માટે પણ રાહત આપવામાં આવી છે. છ વર્ષ સુધીનાં BS-VI કોમર્શિયલ વાહનો માટે PUC સર્ટિફિકેટની માન્યતા બે વર્ષ રહેશે. છ વર્ષથી વધુ અને દસ વર્ષ સુધીનાં કોમર્શિયલ વાહનો માટે દર એક વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. જ્યારે દસ વર્ષથી વધુ જૂનાં કોમર્શિયલ વાહનો માટે દર છ મહિને PUC રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે.
જોકે, BS-Iથી BS-IV સુધીનાં જૂનાં વાહનો માટે અગાઉના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. BS-I, BS-II અને BS-III શ્રેણીનાં વાહનો માટે PUC સર્ટિફિકેટ માત્ર ત્રણ મહિના સુધી માન્ય રહેશે. જ્યારે BS-IV વાહનો માટે તેની વેલિડિટી છ મહિનાની રહેશે. એટલે કે લાંબી માન્યતાનો લાભ મુખ્યત્વે BS-VI માપદંડ ધરાવતાં વાહનોને જ મળશે.
નવા નિયમોમાં PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની તારીખ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો વાહનમાલિક હાલના સર્ટિફિકેટની મુદત પૂરી થવાના છેલ્લા દસ દિવસ દરમિયાન નવું સર્ટિફિકેટ કઢાવે છે, તો તેની નવી વેલિડિટી જૂનું સર્ટિફિકેટ એક્સપાયર થાય તે તારીખથી ગણવામાં આવશે. પરંતુ જો જૂના સર્ટિફિકેટની મુદત પૂરી થઈ ગયા બાદ રિન્યુ કરાવવામાં આવે, તો નવી વેલિડિટી રિન્યુ કરાવ્યાની તારીખથી શરૂ થશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ કેન્દ્રીય મોટર વાહન (16મો સુધારો) નિયમ, 2026 અંતર્ગત આ ફેરફાર કર્યો છે. જોકે, નવા નિયમો લાગુ થયા પહેલાં જે વાહનમાલિકોને PUC સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે, તેમની વેલિડિટી આપમેળે વધશે નહીં. આવા વાહનમાલિકો જ્યારે નવા નિયમો અમલમાં આવ્યા બાદ પહેલીવાર PUC રિન્યુ કરાવશે, ત્યારથી તેમને સુધારેલી સમયમર્યાદાનો લાભ મળશે.
વાહન પ્રમાણે PUCની નવી વેલિડિટી
| વાહનનો પ્રકાર | વાહનની ઉંમર | PUC વેલિડિટી |
|---|---|---|
| ખાનગી BS-VI | 6 વર્ષ સુધી | 3 વર્ષ |
| ખાનગી BS-VI | 6થી 10 વર્ષ | 1 વર્ષ |
| ખાનગી BS-VI | 10 વર્ષથી વધુ | 6 મહિના |
| કોમર્શિયલ BS-VI | 6 વર્ષ સુધી | 2 વર્ષ |
| કોમર્શિયલ BS-VI | 6થી 10 વર્ષ | 1 વર્ષ |
| કોમર્શિયલ BS-VI | 10 વર્ષથી વધુ | 6 મહિના |
| BS-I, BS-II, BS-III | તમામ | 3 મહિના |
| BS-IV | તમામ | 6 મહિના |