SURAT

સુરતમાં લૂંટારુનો પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વબચાવમાં PIએ પગમાં મારી ગોળી

સુરતના લિંબાયત વિસ્તારમાં મધરાતે પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના બની છે. નીલગીરી ગ્રાઉન્ડ નજીક નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જોઈ પોલીસે એક શખસનો પીછો કર્યો હતો. તેને પકડવાનો પ્રયાસ કરતાં આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થતાં પોલીસે સ્વબચાવમાં આરોપીના ડાબા પગમાં ગોળી મારી તેને ઝડપી લીધો હતો. ઘટનામાં ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને આરોપી બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે પોલીસ વાનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક અંધારામાં ઊભેલો એક શખસ પોલીસની ગાડી જોઈને ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસકર્મીઓ વાનમાંથી નીચે ઉતર્યા હતા અને તેનો પીછો કરીને તેને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની ટીમ આરોપીની નજીક પહોંચી ત્યારે એક કોન્સ્ટેબલે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીએ બચવા માટે કમરમાંથી ચપ્પુ કાઢીને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં પીઆઈએ આરોપીને ચપ્પુ નીચે મૂકી દેવાની ચેતવણી આપી હતી. તેમ છતાં આરોપી ચપ્પુ લઈને પીઆઈ તરફ ધસી આવ્યો હતો. આ દરમિયાન પોલીસે પહેલાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પરંતુ આરોપી અટક્યો ન હોવાથી સ્વબચાવમાં તેના પગ તરફ ગોળી ચલાવવામાં આવી હતી.

ગોળી વાગતાં આરોપી સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને પોલીસે તેને કાબૂમાં લીધો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ચપ્પુના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને લિંબાયતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીની ઓળખ પરવેઝ મુશરફ અન્સારી તરીકે થઈ છે. તે મૂળ ઝારખંડનો વતની છે અને હાલ લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછમાં તેણે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે તેની પાસેથી લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જોકે, તેનો સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં લિંબાયત પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગ કરવાની આ બીજી ઘટના છે. અગાઉ 11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોર અનુરાગ પવારની હત્યા થઈ હતી. આ કેસના આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી પાસે પકડવા ગયેલી પોલીસ ટીમના કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર પણ તેણે ચપ્પુથી હુમલો કર્યો હતો. તે સમયે પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીના પગમાં ગોળી મારી તેને ઝડપી લીધો હતો.

Most Popular

To Top