બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાને ભારતને નિશાન બનાવતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નામ લઈને તેમણે આરોપ લગાવ્યો છે કે, સત્તા પરથી હટાવવામાં આવેલી અવામી લીગના નેતાઓ દેશમાં અશાંતિ અને હત્યાઓ કરાવી રહ્યા છે. ભારતનું સીધું નામ લીધા વિના રહેમાને કહ્યું કે, આ તત્વો સરહદ પાર બેઠેલા પોતાના આકાઓને ખુશ કરવા માટે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દેશમાં હિંસક ઘટનાઓ વધી રહી છે ત્યારે વડાપ્રધાનના આ નિવેદનથી રાજકીય તણાવમાં વધારો થવાની શક્યતા છે.
ભારતની સરહદને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લામાં એક જનસભાને સંબોધતા તારિક રહેમાને આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઓગસ્ટ 2024ના વિદ્રોહ બાદ દેશ છોડીને ભાગેલા અવામી લીગના નેતાઓ બાંગ્લાદેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. રહેમાને આરોપ લગાવ્યો કે, જે દેશમાં આ નેતાઓ આશ્રય લઈને બેઠા છે, ત્યાં તેમના આકાઓના ઈશારે વિદ્યાર્થી આંદોલનથી મળેલા અધિકારોને નબળા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે જનતાને સવાલ કર્યો હતો કે શું તેઓ ફરીથી આતંકવાદની રાજનીતિ શરૂ થવા દેશે? સાથે જ તેમણે આ તત્વોને જડબાતોડ જવાબ આપવાની અપીલ કરી હતી.
આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને પણ બાંગ્લાદેશમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઓગસ્ટ 2024થી ભારતમાં રહેલી શેખ હસીનાએ આગામી ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જાહેરાત બાદ અવામી લીગ દ્વારા એક દિવસીય દેશવ્યાપી લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન દરમિયાન અનેક વિસ્તારોમાં તોડફોડ, આગચંપી અને દેશી બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બની હતી. સ્થિતિ કાબૂમાં રાખવા માટે વહીવટીતંત્રે સાત જિલ્લાઓમાં આશરે 3,000 અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કર્યા છે.
બીજી તરફ, બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારીના સંકેત આપતાં શેખ હસીનાએ નવા પાસપોર્ટ અને નેશનલ આઈડી કાર્ડ મેળવવા માટેની કાયદાકીય પ્રક્રિયા તેજ કરી હોવાનો દાવો છે. તેમના વકીલોએ નવી દિલ્હીમાં આવેલી બાંગ્લાદેશ હાઈકમિશનનો બીજી વખત સંપર્ક કર્યો છે. હસીનાએ લંડનની મેટ્રિક્સ ચેમ્બર્સના બેરિસ્ટર સ્ટીવન પાઉલ્સ કેસીને પોતાના અધિકૃત પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે, જેથી તેઓ પાસપોર્ટ અને ઓળખપત્ર માટેની અરજી રજૂ કરી શકે. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
ગુરુવારે અવામી લીગના લૉકડાઉન દરમિયાન બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. પોલીસ સ્ટેશનો, સાંસદોના ઘરો અને બેંકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગોપાલગંજ જિલ્લો હિંસાનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. અહીં અવામી લીગના સમર્થકોએ એક પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના સાંસદોના નિવાસસ્થાનો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ગ્રામીણ બેંકની કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
ગોપાલગંજ અને પડોશી મદારીપુર જિલ્લામાં હિંસક પ્રદર્શનોને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના અને ઢાકા-બારિસલ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષો કાપીને તેમજ ટાયરો સળગાવીને રસ્તાઓ બંધ કરી દીધા હતા. સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લાંબા અંતરની બસ સેવાઓ રદ કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેએ પણ રાજશાહી-ગોબરા તુંગીપારા એક્સપ્રેસના કાલુખાલી-ગોબરા ખંડ પર ટ્રેન સેવા અસ્થાયી રીતે બંધ કરી દીધી હતી. તેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજધાની ઢાકામાં પણ દેશી બોમ્બના શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી ભયનો માહોલ ફેલાયો છે. ખિલગાંવ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવેલા બોમ્બના વિસ્ફોટમાં 40 વર્ષીય મહિલા દુકાનદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે ધોલૈરપાર અને એક હોસ્પિટલની બહાર થયેલા અન્ય વિસ્ફોટોમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે 2.29 કિલોગ્રામ દારૂગોળા સાથે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટે ઢાકામાં અગાઉની 30 ચેકપોસ્ટની જગ્યાએ હવે 177 ચેકપોસ્ટ ઊભી કરીને વાહનો અને લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
હિંસાની વચ્ચે ગાઝીપુર સ્થિત કાસિમપુર સેન્ટ્રલ જેલની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે. જેલ પર હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને કાસિમપુર સેન્ટ્રલ જેલ-2ના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટે સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ મજબૂત કરવા માટે સેના તથા પોલીસની મદદ માગી છે. આ જેલ સંકુલમાં આવેલી ચાર જેલોમાં અંદાજે 12,000 કેદીઓ બંધ છે. તેમાં અનેક હાઈ-પ્રોફાઈલ આરોપીઓ અને રાજકીય કેદીઓનો પણ સમાવેશ થાય છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જેલ અને સુરક્ષા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.