National

છોટા શકીલ સાથે કનેક્શન ધરાવતા કુખ્યાત નસીમ દુર્રાનીને દિલ્હી પોલીસ અને નોઈડા STFએ બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો

દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત કાર્યવાહીમાં ‘ડી-કંપની’ સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. પોલીસ અને નસીમ વચ્ચે થયેલા ગોળીબારમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

37 વર્ષીય નસીમ દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદ વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો. તે સોશિયલ મીડિયા પર પણ પોતાની ગુનાહિત છબી અને ખૌફનો પ્રચાર કરતો હતો. તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું, ‘નામ- બદનામ, એડ્રેસ- તિહાડ જેલ, ઉંમર- જીવવાની, કામ- મારવાનું.’ તેની આ બાયોએ પોલીસનું પણ ધ્યાન ખેંચ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ફરાર નસીમની હિલચાલ બુલંદશહેરના સિકંદરા બાયપાસ નજીક જોવા મળી હતી. CCTV ફૂટેજમાં તે સ્કૂટી પર જતો દેખાયો હતો. આ માહિતીના આધારે દિલ્હી પોલીસ અને નોઈડા STFની ટીમે તેને પકડવા માટે ઘેરો ઘાલ્યો હતો. પોલીસ ટીમને જોઈ નસીમે સ્કૂટીની ઝડપ વધારી દીધી હતી અને પાછળ ફરીને જોતો જોતો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની સ્કૂટી સ્લિપ થઈને પડી ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી .32 બોરની બે પિસ્તોલથી પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે વળતો ગોળીબાર કરતાં નસીમને અનેક ગોળીઓ વાગી હતી. ઘટનાસ્થળેથી તેની બંને પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે.

નસીમ પર તાજેતરમાં દિલ્હીમાં થયેલી એક હત્યાનો પણ આરોપ હતો. 16 નવેમ્બરે દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાની ઓફિસ બહાર સમીર નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં નસીમે 15થી 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો આરોપ છે. આ કેસ બાદથી તેની શોધખોળ ચાલી રહી હતી.

નસીમના અંડરવર્લ્ડ સાથેના સંપર્કો પણ ચર્ચામાં રહ્યા હતા. તે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સંપર્કમાં હોવાનું કહેવાય છે. વર્ષ 2016-17 દરમિયાન છોટા શકીલે તિહાડ જેલમાં બંધ છોટા રાજનની હત્યા કરવા માટે નસીમને સોપારી આપી હોવાનો પણ આરોપ છે. આ ઉપરાંત પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક અને પત્રકાર તારેક ફતેહની હત્યાનું કાવતરું ઘડવા તેમજ તેમને ધમકી આપવાના કેસમાં પણ નસીમની સંડોવણીનો આરોપ હતો.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, નસીમ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સક્રિય ખતરનાક અને રીઢો ગુનેગાર હતો. તેની સામે હત્યા, હથિયારોના જોરે લૂંટ, ગેરકાયદે હથિયાર રાખવા, ચોરી અને પોલીસ પર હુમલા સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 173/2014 મુજબ, તેણે પોલીસ કસ્ટડીમાંથી એક આરોપીને ભગાડવામાં મદદ કરી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ પર પથ્થરમારો અને હુમલો કર્યાનો પણ આરોપ હતો. ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં જ નોંધાયેલી FIR નંબર 289/2010 હત્યાના કેસમાં પણ તેનું નામ સામેલ હતું. આ ઉપરાંત ખજૂરી ખાસ, જાફરાબાદ અને દયાલપુર સહિતનાં પોલીસ સ્ટેશનોમાં તેની સામે આર્મ્સ એક્ટ અને અન્ય ગુનાઓ હેઠળ અનેક કેસ નોંધાયેલા હતા.

Most Popular

To Top