ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી કોળી સમાજમાંથી હોવા જોઈએ તેવા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની છે. પબુભાના નિવેદન સામે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા અને ભાજપના નેતા વરુણ પટેલે વાંધો ઉઠાવ્યો છે. વરુણ પટેલે તો પબુભાને રાજકીય પક્ષના ટેકા વિના ચૂંટણી લડી બતાવવાનો પડકાર પણ ફેંક્યો છે. આ વિવાદ વચ્ચે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કોઈ એક વ્યક્તિ કે સમાજ નહીં, પરંતુ પક્ષનું હાઈકમાન્ડ લે છે.
દ્વારકામાં 12 નવેમ્બરે સમસ્ત કોળી સમાજના નવરંગ માંડવાના કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે આ નિવેદન આપ્યું હતું. ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં સમાજને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વસ્તીની દૃષ્ટિએ કોળી સમાજ બીજા ક્રમે આવે છે, તેથી રાજ્યના મુખ્યમંત્રી પણ કોળી સમાજના હોવા જોઈએ. તેમણે સમાજમાં જાગૃતિનો અભાવ હોવાનો ઉલ્લેખ કરીને યુવાનોને સંગઠિત અને જાગૃત થવા પણ અપીલ કરી હતી. આ નિવેદન બાદ રાજ્યમાં જ્ઞાતિ આધારિત રાજકીય પ્રતિનિધિત્વ અને મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા શરૂ થઈ હતી.
પબુભાના નિવેદન સામે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી કોઈ એક સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોવા જોઈએ. તેમના મતે, સમાજ આધારિત મુખ્યમંત્રીની માગણી કરવી યોગ્ય નથી, કારણ કે જવાબદાર નેતાઓનાં આવાં નિવેદનોથી સમાજમાં વિભાજન ઊભું થઈ શકે છે. બીજી તરફ, ભાજપના નેતા વરુણ પટેલે પબુભા માણેકને સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે પબુભા સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરે છે. જો તેમનામાં હિંમત હોય તો કોઈ રાજકીય પક્ષના સમર્થન વિના ચૂંટણી લડી બતાવે. વરુણ પટેલે એવો પણ પડકાર આપ્યો હતો કે પાર્ટીના ટેકા વિના ચૂંટણી લડશે તો તેમનો પાવર ઉતારી દેવામાં આવશે.
આ વિવાદ વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરી હતી. પબુભા માણેકના નિવેદન અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ સમાજનો કાર્યક્રમ હતો અને તેમાં સમાજ સિવાય બીજી કોઈ વાત થઈ નહોતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમારો સમાજ ભલે મોટો હોય, પણ સૌ સમાજને સાથે રાખીને હાઈકમાન્ડમાંથી બધા નિર્ણયો થતા હોય છે. કોઈ એક વ્યક્તિ કે એક સમાજ એનો નિર્ણય કરી શકતા નથી.” આ ઉપરાંત તેમણે પત્રકારોના અન્ય સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2024માં પણ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ ઊઠી હતી. હવે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ અને સત્તામાં ભાગીદારી અંગે નિવેદનો કરવામાં આવી રહ્યાં છે. પબુભા માણેકના નિવેદન બાદ શરૂ થયેલી આ ચર્ચામાં અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓથી રાજકીય માહોલ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.