સુરતમાં બેફામ દોડતાં ભારે વાહનોના કારણે વધુ એક જીવ ગયો છે. ઉધના-નવસારી રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે સાયકલ પર ટ્યુશન જવા નીકળેલા ધોરણ 10ના વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં પ્રિન્સ રાણા નામના સગીર વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આશાસ્પદ વિદ્યાર્થીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો પ્રમાણે, પ્રિન્સ રાણા સાયકલ લઈને ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન ઉધના-નવસારી રોડ પરથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વિદ્યાર્થીને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્મતાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીના મોતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડી લીધો હતો અને ઉધના પોલીસને સોંપ્યો હતો. ઘટનાને કારણે રોડ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
બીજી તરફ, દીકરાના અકાળે મોતના સમાચાર મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારે ડમ્પર ચાલક સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ ઉધના પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ડમ્પર ચાલક સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.