Entertainment

દીપિકા બાદ હવે આલિયાએ પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો, સેટની સુવિધાઓ પર કરી વાત

દીપિકા પાદુકોણની આઠ કલાકની શિફ્ટની માગને લઈને શરૂ થયેલી ચર્ચામાં હવે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આલિયાએ દીપિકાની માગનું સમર્થન કરતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારો અને ક્રૂ મેમ્બર્સના કામના કલાકો અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેના મતે, કામના કલાકો અને સેટ પરની સુવિધાઓ અંગે કોઈ મનમાની ન થવી જોઈએ અને કર્મચારીઓને પોતાની મર્યાદા નક્કી કરતી વખતે નોકરી ગુમાવવાનો ડર ન હોવો જોઈએ.

વર્ષ 2025માં દીપિકા પાદુકોણની આઠ કલાકની શિફ્ટની માગને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા થઈ હતી. કથિત રીતે આ માગને કારણે દીપિકાને પ્રભાસ અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર થવું પડ્યું હતું. આ મુદ્દા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારોના કામના કલાકો અને તેમની શરતોને લઈને અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા હતા. કેટલાક લોકોએ દીપિકાની માગ સાથે અસંમતિ દર્શાવી હતી, જ્યારે ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું હતું.

હવે આલિયા ભટ્ટે પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન આલિયાએ જણાવ્યું કે તે નસીબદાર છે કે તેની સાથે કામ કરનારા નિર્માતાઓએ તેની જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખ્યું છે. જોકે, તેના મતે આ બાબત માત્ર મોટા કલાકારો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. ફિલ્મના સેટ પર કામ કરતા તમામ લોકોના કામના કલાકો અંગે પણ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

આલિયાએ ખાસ કરીને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ તરફ ધ્યાન દોર્યું હતું. ફિલ્મના સેટ પર ઘણા ક્રૂ મેમ્બર્સને દિવસના 15થી 18 કલાક સુધી કામ કરવું પડે છે. આલિયાના મતે, કામના કલાકો યોગ્ય અને વ્યવસ્થિત હોય તો કામની ગુણવત્તામાં પણ સુધારો થઈ શકે છે. તેણે કહ્યું કે આ વ્યવસ્થા અંગે ફરી વિચાર થવો જોઈએ અને તેમાં મનમાની ન ચાલવી જોઈએ. કર્મચારીઓને પોતાની કામની મર્યાદા નક્કી કરતી વખતે નોકરી ગુમાવવાનો ડર ન લાગવો જોઈએ.

આલિયાએ ફિલ્મના સેટ પર મહિલાઓ માટે પાયાની સુવિધાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના મતે, દરેક સેટ પર મહિલાઓ માટે સ્વચ્છ ટોયલેટ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા તમામ લોકો માટે કામનું યોગ્ય વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. આલિયાના નિવેદનથી ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામના કલાકો, કર્મચારીઓની સુવિધાઓ અને કાર્યસ્થળની વ્યવસ્થાને લઈને ચર્ચા શરૂ થઈ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ ‘અલ્ફા’માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી. હવે તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 21 જાન્યુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Most Popular

To Top