બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘અકવાન’ આજે સવારે ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠે ત્રાટક્યું છે. વાવાઝોડાની અસરથી 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે આશરે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. બચાવ કામગીરી માટે NDRF સહિત વિવિધ એજન્સીઓની ટીમો તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, સાવચેતીના પગલાંરૂપે કુલ 69 ટ્રેનો રદ કરવામાં આવી છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે ‘ઝીરો ડેથ’નું લક્ષ્ય રાખીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,98,676 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોમાં 4,000થી વધુ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાહત શિબિરોમાં આશરો લેનારા લોકો માટે રાંધેલું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, જરૂરી દવાઓ અને સેનિટરી નેપકિન સહિતની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકો અને મહિલાઓની જરૂરિયાતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વાવાઝોડા દરમિયાન ભૂસ્ખલનનો ખતરો પણ તંત્ર માટે મોટો પડકાર બન્યો છે. ઓડિશાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ગંજામ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ અને મલકાનગિરી એમ પાંચ જિલ્લાઓમાં ભૂસ્ખલનની આશંકા ધરાવતા 941 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી છે. તેમાંથી સૌથી વધુ 211 સ્થળો ગજપતિ જિલ્લામાં છે. અગાઉ ‘અર્નબ’ વાવાઝોડા દરમિયાન ભૂસ્ખલનની ઘટનાઓમાં 10 લોકોનાં મોત થયાં હતાં. આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
રાહત અને બચાવ કામગીરી માટે ઓડિશામાં કુલ 423 બચાવ દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમાં ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF)ની 60 ટીમો, NDRFની 14 ટીમો અને ફાયર બ્રિગેડ તથા ઈમરજન્સી સેવાઓની 131 ટીમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશનાં પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં NDRFની કુલ 31 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે 18 વધારાની ટીમોને અનામત રાખવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળને પણ હેલિકોપ્ટર અને જહાજો તૈયાર રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય.
વાવાઝોડાની અસરને પગલે આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે શ્રીકાકુલમ અને વિજયનગરમ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાર્વતીપુરમ મન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ અને અનકાપલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા કાકીનાડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરનાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાને પગલે રેલવે વ્યવહાર પર પણ અસર પડી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ 41 ટ્રેનો રદ કરી છે અને 29 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. બીજી તરફ, સાઉથ ઈસ્ટર્ન રેલવેએ 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આમ, બંને રેલવે ઝોનની મળીને કુલ 69 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ધાર્મિક સ્થળો પર પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પુરી સ્થિત જગન્નાથ મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ યાત્રાનું આયોજન કરવાની અપીલ કરી છે. જોકે જગન્નાથ મંદિરમાં નિત્ય પૂજા-અર્ચના રાબેતા મુજબ ચાલુ રહેશે. બીજી તરફ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરીનું ગુંડિચા મંદિર 19થી 21 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.