National

‘એક પાર્ટીને ફાયદો કરાવવા 13 કરોડ નામ હટાવાયાં’, પૂર્વ જજે ચૂંટણી પંચને ભીંસમાં લીધું

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ગોપાલા ગૌડાએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆરઆઈ (SRI)ની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતાં ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવા માટે 13 કરોડ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનું પગલું ભરવામાં આવ્યું છે. તેમના મતે, આવી કાર્યવાહી ગેરબંધારણીય છે અને તેનાથી દેશની લોકશાહી સામે જોખમ ઊભું થઈ શકે છે.

ગોપાલા ગૌડાએ જણાવ્યું હતું કે એસઆરઆઈનો ઉપયોગ મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરવા માટે થવો જોઈએ નહીં. ચૂંટણી પંચની આ કામગીરીને તેમણે મતદારો પર મોટો અન્યાય ગણાવ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ પ્રકારનાં પગલાંથી દેશની સંપ્રભુતા પર અસર થઈ શકે છે. તેમના મતે, મતદાર યાદીની પ્રક્રિયાનો ઉપયોગ રાજકીય પક્ષોના હિત માટે થવો ન જોઈએ.

પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવાની ભલામણ કરી હતી. તેમણે એસઆરઆઈની પ્રક્રિયાના દરેક પાસાંનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને તેની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંધારણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં નાગરિકો સર્વોચ્ચ છે, જ્યારે સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ સર્વોચ્ચ સત્તા નથી. દરેક પુખ્ત નાગરિકને મતદાન કરવાનો બંધારણીય અધિકાર મળ્યો છે અને આ અધિકારમાં કોઈપણ પ્રકારની બાંધછોડ થવી યોગ્ય નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા ફોર્મ કે અન્ય પ્રક્રિયાઓનો ઉપયોગ કોઈ રાજકીય પક્ષના હિતને ધ્યાનમાં રાખીને થવો જોઈએ નહીં. મતદાર યાદી સાથે જોડાયેલી કોઈપણ કાર્યવાહી પારદર્શક અને બંધારણીય જોગવાઈઓને અનુરૂપ હોવી જરૂરી છે. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજકીય પક્ષો આ મુદ્દે સમજદારીપૂર્વક વલણ અપનાવશે.

ઉલ્લેખનીય છે કે એસઆરઆઈ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 9 ડિસેમ્બરે યોજાવાની છે. આ પહેલાં કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત બંને ચૂંટણી કમિશનરોનું સંયુક્ત સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં આ મામલે કોર્ટ સમક્ષ રજૂ થનારી વિગતો અને પ્રક્રિયા અંગેની દલીલો પર નજર રહેશે.

Most Popular

To Top