શુક્રવારે બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયુન કબીરના નિવાસસ્થાન પર પેટ્રોલ બોમ્બ ફેંકીને તેને સળગાવી દેવામાં આવ્યું હતું. ઘટના સમયે હુમાયુન કબીર ત્યાં હાજર ન હતા. ત્યારબાદ તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કબીરે આ હુમલા માટે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ ‘અવામી લીગ’ને જવાબદાર ઠેરવ્યું અને તેને “આતંકવાદી સંગઠન” ગણાવ્યું. તેમણે કહ્યું કે હિંસાનો આશરો લઈને કોઈ ફરાર વ્યક્તિને દિલ્હીથી કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા બાંગ્લાદેશ પાછી લાવી શકાય નહીં. આવી પ્રક્રિયા માટે પ્રત્યાર્પણ સંધિ (extradition treaty) જેવી કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય છે. તેમણે આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટના બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો, તોડફોડ અને આગજનીની ઘટનાઓ વચ્ચે બની છે. આ અશાંતિ શેખ હસીનાની સંભવિત વાપસી અંગેની ચર્ચાઓ અને અવામી લીગ દ્વારા જાહેર કરાયેલા “લોકડાઉન”ને કારણે વધુ ભડકી છે.
ગુરુવારે પ્રદર્શનકારીઓએ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાનને પણ આગ લગાવી દીધી હતી. દરમિયાન તારિક રહેમાને અવામી લીગ પર દેશમાં હિંસા ભડકાવવાનો અને કાવતરાં રચવાનો આરોપ લગાવ્યો છે.
ગુરુવારે એક રેલીને સંબોધતા તારિક રહેમાને કહ્યું કે જે લોકો ૧૬ વર્ષ સુધી બળજબરીથી સત્તા પર રહ્યા અને પછી દેશ છોડીને ભાગી ગયા, તેઓ હવે સરહદ પારથી બાંગ્લાદેશ વિરુદ્ધ કાવતરાં રચી રહ્યા છે. તેમણે કહ્યું, “તેમના આકાઓ તે દેશમાં રહે છે જ્યાં તેઓ ભાગી ગયા છે; તેઓ તેમને ખુશ કરવા માટે બાંગ્લાદેશ વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. દેશ છોડ્યા પછી પણ તેમણે આગજની અને હત્યાની રાજનીતિ છોડી નથી.”
જોકે તારિકે કોઈ ચોક્કસ દેશનું નામ લીધું નથી, પરંતુ તેમના નિવેદનને ભારત તરફના ઈશારા તરીકે જોવામાં આવી રહ્યું છે. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા બળવા દરમિયાન સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ શેખ હસીના ભારત પહોંચ્યા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ છે.