ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમાં એક નવો વિવાદ સર્જાયો છે. બાંગ્લાદેશના ઢાકામાં શુક્રવારે યોજાનારી ‘મેન્સ એશિયા કપ ફોર ધ બ્લાઈન્ડ’ (દ્રષ્ટિહીન લોકો માટેની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ)ની ફાઈનલ મેચ વરસાદને કારણે રમાઈ શકી નહીં અને પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દેવાયું.
પાકિસ્તાન અને ભારતને આ ટુર્નામેન્ટના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટ (WBBC)ના પ્રમુખ અને પાકિસ્તાન બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલના વડા સુલતાન શાહે પાકિસ્તાનને વિજેતા જાહેર કરી દીધું. મેચ રેફરીને પણ આ જ નિર્ણય જાહેર કરવાની ફરજ પડી હતી.
ભારતની જાહેરાત: અમે હવે પાકિસ્તાન સામે નહીં રમીએ
‘ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઇન ઇન્ડિયા’ (CABI)ના જનરલ સેક્રેટરી શૈલેન્દ્રએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી ભારતીય ટીમ પાકિસ્તાન સામે કોઈ મેચ રમશે નહીં. ભારતીય ટીમે આ નિર્ણયને ‘રમતની ભાવના’ (સ્પિરિટ ઓફ ધ ગેમ) વિરુદ્ધ ગણાવ્યો છે. તેમનો વાંધો માત્ર ટ્રોફી વિશે નથી, પરંતુ જે રીતે ફાઈનલ મેચ રમ્યા વિના જ એક ટીમને વિજેતા જાહેર કરવામાં આવી, તે પદ્ધતિ સામે છે.
પાકિસ્તાન કેવી રીતે ચેમ્પિયન બન્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ શુક્રવારે યોજાવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ શરૂ પણ થઈ શકી નહીં. પરિણામે મેદાન પર રમત દ્વારા વિજેતા નક્કી કરવાની કોઈ તક મળી નહીં.
ટુર્નામેન્ટના નિયમો અને લીગ તબક્કામાં કરેલા પ્રદર્શનના આધારે પાકિસ્તાનને વિજેતા જાહેર કરવામાં આવ્યું. લીગ મેચોમાં પાકિસ્તાનનું પ્રદર્શન વધુ સારું રહ્યું હતું અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું, જ્યારે ભારત બીજા સ્થાને હતું. પાકિસ્તાને 6 પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે ભારત પાસે 4 પોઈન્ટ હતા. આ આધાર પર જ પાકિસ્તાનને વિજેતા જાહેર કરવામાં આવ્યું.
ભારત ફાઈનલ સુધી કેવી રીતે પહોંચ્યું?
લીગ તબક્કામાં, ભારતે શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવ્યા હતા, પરંતુ પાકિસ્તાન સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી; પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 179/6 રન બનાવ્યા હતા. કેપ્ટન દુર્ગા રાવે 62 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સંજય કુમાર શાહે 30 રન અને ડી. વેંકટેશે 26 રનનું યોગદાન આપ્યું હતું.
પાકિસ્તાનને જીતવા માટે 180 રનની જરૂર હતી. કેપ્ટન નિસાર અલીએ ૬૪ રન બનાવ્યા અને ટીમ છેલ્લી ઓવર સુધી મુકાબલામાં ટકી રહી. પાકિસ્તાનને છેલ્લા ૨ બોલમાં ૭ રનની જરૂર હતી. નિયામતુલ્લાહે પાંચમા બોલ પર સિક્સ અને છેલ્લા બોલ પર ફોર ફટકારીને પાકિસ્તાનને ૧ વિકેટથી વિજય અપાવ્યો.