ફતેગંજ સહિત અનેક વિસ્તારોમાં નજારો જોવા લોકો ઉમટ્યા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
જા ની વા લી પી ના રા આ શબ્દ સાંભળીને તમને કદાચ બાળપણ યાદ આવી જાય. આપણા શિક્ષકો અને વાલીઓ મેઘધનુષના સાત રંગ યાદ રાખવા માટે આ ટૂંકાક્ષર શીખવાડતા હતા. જાંબુડી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. હવે આ જા ની વા લી પી ના રા’નો અદભુત નજારો વડોદરાના આકાશમાં ખરેખર સર્જાયો છે.
ચોમાસાની સિઝન જામતાં જ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અચાનક મેઘધનુષ દેખા દેતાં શહેરીજનો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. ફતેગંજ, અકોટા, માંજલપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આકાશમાં રચાયેલા સપ્તરંગી મેઘધનુષને જોવા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વરસાદના ઝાપટાં બાદ વાદળો વચ્ચેથી ડોકિયું કરતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં આ મનમોહક દૃશ્ય સર્જાયું હતું. સોશિયલ મીડિયા પર પણ વડોદરાના મેઘધનુષની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ આ કુદરતી અજાયબીને મોબાઇલમાં કેદ કરીને જા ની વા લી પી ના રાને ફરી એકવાર જીવંત કરી દીધું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, ત્યારે આવી વધુ રંગીન ક્ષણો જોવા મળે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે.