બોલિવુડના જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના સેટ પર બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઝંઝોળી નાખી છે. ફિલ્મના સેટ પર કામ કરી રહેલા 42 વર્ષીય સુથાર ચન્દ્રધારી યાદવનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટનાએ ફિલ્મ સેટ પર કામ કરતા કામદારોની સુરક્ષા અને કામકાજની પરિસ્થિતિઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. માહિતી મુજબ, મુંબઈના ગોરેગાંવ પૂર્વ વિસ્તારમાં આવેલા રોયલ પામ સ્ટુડિયોમાં આલિયા ભટ્ટના એક મહત્વપૂર્ણ સીન માટે સેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન 17 જૂનની વહેલી સવારે લગભગ 3 વાગ્યે ચન્દ્રધારી યાદવને વીજળીનો કરંટ લાગ્યો હતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ચન્દ્રધારી યાદવ પોતાના પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. ઘટનાના પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ મામલે કામદારોના પ્રતિનિધિઓ અને યુનિયન દ્વારા નિર્માતા પક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ભણશાળી પ્રોડક્શને મૃતકના પરિવારને 40 લાખ રૂપિયાનું વળતર આપવાની ઓફર કરી છે. જોકે, કર્મચારી સંગઠનોનું કહેવું છે કે માત્ર આર્થિક સહાય પૂરતી નથી. તેમની માંગ છે કે મૃતકની પત્નીને યોગ્ય નોકરી આપવામાં આવે અને બંને પુત્રીઓના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પણ નિર્માતા કંપનીએ ઉપાડવી જોઈએ. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના માનદ મહામંત્રી અશોક દુબેએ જણાવ્યું હતું કે ચન્દ્રધારી યાદવ છેલ્લા ત્રણ દિવસથી સતત લાંબા કલાકો સુધી કામ કરી રહ્યા હતા. તેઓ દરરોજ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી સેટ પર ફરજ બજાવી રહ્યા હતા. આ લાંબા કામકાજના કલાકો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અને ફેડરેશનના સલાહકાર અશોક પંડિતે જણાવ્યું કે ફિલ્મ સેટ પર નિયમિત સુરક્ષા ઓડિટ થવી અત્યંત જરૂરી છે. તેમણે સરકાર, સ્ટુડિયો સંચાલકો અને નિર્માતાઓના સંગઠનોને વારંવાર સુરક્ષા સંબંધિત નિયમો કડક બનાવવાની અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ, મોટા ફિલ્મ સેટ પર સરેરાશ 150થી 200 જેટલા કામદારો કામ કરતા હોય છે, તેથી તેમની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. આ દુર્ઘટનાએ ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામદારોની સુરક્ષા માટે સ્પષ્ટ અને કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે સૌની નજર એ વાત પર છે કે આ ઘટનાના પગલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે કયા પગલાં લેવામાં આવે છે.