વીડિયો વાયરલ થતાં તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સમા બ્રિજ વિસ્તારમાં રોંગ સાઇડમાં વાહનો જતા અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, સરકારી GSRTCની એક બસ બિન્દાસ્ત રોંગ સાઇડ લઈને ઊર્મિ સ્કૂલ તરફ પુરપાટ દોડતી જોવા મળી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના રાત્રી દરમિયાન બની હતી. સરકારી બસના ચાલકે તમામ નિયમોને નેવે મૂકીને વન-વે રસ્તા પર સામેથી રોંગ સાઇડમાં બસ દોડાવી હતી. તે સમયે રસ્તા પર અન્ય વાહનોની પણ અવરજવર હતી, જેના કારણે મોટો અકસ્માત સર્જાવાની શક્યતા હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કરી લીધો હતો. નાગરિકે લોકજાગૃતિ માટે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, સામાન્ય નાગરિક પાસેથી ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવતું તંત્ર સરકારી બસના ચાલકને ક્યારે કાયદાનું ભાન કરાવશે? જ્યારે તંત્ર જ નિયમો તોડશે તો સામાન્ય પ્રજા પાસેથી નિયમ પાલનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? પ્રતિબંધ મૂક્યા બાદ તેનું પાલન કરાવવાની સંપૂર્ણ જવાબદારી કોની? શું ટ્રાફિક પોલીસ આ સરકારી બસને મેમો આપીને દંડ ફટકારશે ખરી કે પછી મામલો દબાવી દેવાશે? ઉલ્લેખનીય છે કે, સમા બ્રિજથી ઊર્મિ સ્કૂલ તરફનો આ રસ્તો અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. અહીં અગાઉ પણ ખાનગી બસ ચાલકો દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવીને નિયમોની ઐસીતૈસી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અનેક વખત કાર્યવાહીના દાવા કરવામાં આવ્યા, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વડોદરા ટ્રાફિક પોલીસ અને GSRTC તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.