National

બાંગ્લાદેશમાં ભગવાન રામના અપમાન સામે ઉગ્ર વિરોધ, ઢાકામાં ગુંજ્યા ‘જય શ્રી રામ’ના નારા

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભગવાન રામની તસવીરના કથિત અપમાનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાના વિરોધમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મશાલ સરઘસ કાઢીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન ‘જય શ્રી રામ’ના નારા ગુંજ્યા હતા અને જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠી હતી. શુક્રવારે સાંજે ઢાકાના શાહબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો એકત્ર થયા હતા. ત્યારબાદ તેઓ મશાલ સરઘસ સાથે નેશનલ પ્રેસ ક્લબ તરફ કૂચ કરી હતી. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ભગવાન રામની તસવીરનું અપમાન કરવામાં આવ્યું છે, પરંતુ ફરિયાદ નોંધાયા પછી પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ સમગ્ર વિવાદ ઉત્તર બાંગ્લાદેશના ગાયબાંધા જિલ્લાના પલાશબારી વિસ્તારમાં બની રહેલી ભગવાન રામની વિશાળ પ્રતિમા સાથે જોડાયેલો છે. શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર સમિતિ દ્વારા લગભગ 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમા બનાવવામાં આવી રહી હતી. માહિતી અનુસાર, પ્રતિમાનું લગભગ 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ કેટલાક કટ્ટરપંથી જૂથોની ધમકીઓને કારણે હાલ માટે નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે.

આ ઘટનાએ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમુદાયમાં અસુરક્ષાની લાગણી વધુ મજબૂત કરી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓએ સરકાર પર પણ નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો છે. હિન્દુ મહાજોત સહિતના સંગઠનોએ સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમની માંગ છે કે ભગવાન રામની તસવીરના અપમાનમાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને પલાશબારીમાં પ્રતિમાનું કામ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. જો સરકાર આ માંગણીઓ સ્વીકારશે નહીં તો દેશભરમાં મોટા પાયે આંદોલન શરૂ કરવાની ચેતવણી આપવામાં આવી છે. હિન્દુ મહાજોતે વધુ એક મોટી જાહેરાત પણ કરી છે. સંગઠનના નેતાઓએ જણાવ્યું છે કે જો પલાશબારીમાં પ્રતિમાનું કામ ફરી શરૂ નહીં થાય, તો તેઓ બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં રામ મંદિરોના નિર્માણ માટે અભિયાન શરૂ કરશે. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ દરમિયાન નેશનલ કમિટી ફોર પૂજા સેલિબ્રેશન્સે પણ દેશવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. સંગઠન દ્વારા ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર આપવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં હિન્દુ સમુદાયની સુરક્ષા અને ધાર્મિક અધિકારોની ખાતરી માગવામાં આવશે. મંદિર સમિતિના પ્રમુખ હરિદાસ ચંદ્ર દાસે જણાવ્યું હતું કે કેટલાક કટ્ટરપંથી તત્વોએ પ્રતિમાને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે મંદિર સમિતિ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. સમિતિના સલાહકાર શ્યામલાલ કુમાર મહંતે કહ્યું હતું કે સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલ પૂરતું કામ અટકાવવામાં આવ્યું છે.

લગભગ 22 કરોડ બાંગ્લાદેશી ટાકાના ખર્ચે બની રહેલા આ મંદિર સંકુલમાં ભગવાન રામ ઉપરાંત શ્રીકૃષ્ણ અને ભગવાન શિવની પ્રતિમાઓ સ્થાપિત કરવાની પણ યોજના છે. આ પ્રોજેક્ટને બાંગ્લાદેશના હિન્દુ સમુદાય માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ સૌથી મોટું ધાર્મિક લઘુમતી સમુદાય છે અને તેઓ દેશની કુલ વસ્તીના અંદાજે 8 ટકા જેટલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લઘુમતી સમુદાય સામેની હિંસાની ઘટનાઓને લઈને ચિંતા વધી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે સાંપ્રદાયિક હિંસાની 133 જેટલી ઘટનાઓ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા, ધાર્મિક સ્વતંત્રતા અને સામાજિક સૌહાર્દ અંગે ચર્ચા જગાવી છે. હવે સૌની નજર સરકારના આગામી પગલાં અને પ્રદર્શનકારીઓએ આપેલા 72 કલાકના અલ્ટીમેટમ પર ટકેલી છે.

Most Popular

To Top