મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. સતત બે મોટી જીત બાદ હવે ટીમની નજર જીતની હેટ્રિક પર છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. આ મેચ માન્ચેસ્ટરના ઐતિહાસિક એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ટીમે ટુર્નામેન્ટની શરૂઆત જોરદાર રીતે કરી હતી. પ્રથમ મેચમાં ભારતે પરંપરાગત હરીફ પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં નેધરલેન્ડ્સ સામે પણ ભારતીય ટીમે એકતરફી પ્રદર્શન કરતાં 95 રનથી જીત મેળવી હતી. બંને મેચોમાં બેટિંગ અને બોલિંગ વિભાગે ઉત્તમ દેખાવ કર્યો હતો, જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ હાલમાં સાતમા આસમાને છે.
હવે ભારતીય ટીમ સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મજબૂત ખેલાડીઓથી સજ્જ છે અને ભારત માટે આ મેચ સહેલી રહેવાની નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 24 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમાઈ છે. તેમાં ભારતે 11 મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ 10 મેચમાં જીત મેળવી છે. ત્રણ મેચ કોઈ પરિણામ વગર પૂર્ણ થઈ હતી. આ આંકડાઓ દર્શાવે છે કે બંને ટીમો વચ્ચે હંમેશા જોરદાર સ્પર્ધા જોવા મળે છે. ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત કૌર, ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સ્મૃતિ અને શેફાલીની ઓપનિંગ જોડી ભારતને ઝડપી શરૂઆત અપાવી શકે છે. મધ્યક્રમમાં જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને વિકેટકીપર રિચા ઘોષ ટીમને મજબૂતાઈ આપે છે. બોલિંગ વિભાગમાં રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી અને રાધા યાદવ પર ખાસ નજર રહેશે.
જોકે ભારતીય ટીમને એક મોટો ઝટકો પણ લાગ્યો છે. નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને ફિલ્ડિંગ કરતી વખતે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ઈજાના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેના સ્થાને યુવા ખેલાડી પ્રેમા રાવતને ટીમમાં સામેલ કરવામાં આવી છે. હવે ટીમ મેનેજમેન્ટને આશા રહેશે કે પ્રેમા આ તકનો પૂરો લાભ ઉઠાવશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ ઘણા અનુભવી ખેલાડીઓ છે. કેપ્ટન લૌરા વોલ્વાર્ડ, મેરિઝાન કેપ, ક્લો ટ્રાયોન અને શબનીમ ઈસ્માઈલ જેવા ખેલાડીઓ કોઈપણ સમયે મેચનો રુખ બદલી શકે છે. ખાસ કરીને મેરિઝાન કેપનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને શબનીમ ઈસ્માઈલની ઝડપી બોલિંગ ભારતીય બેટર્સ માટે પડકાર બની શકે છે.
મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે યોજાશે. ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. ઉપરાંત મોબાઇલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર Jio Hotstar એપ દ્વારા પણ મેચનો આનંદ માણી શકાશે. ટુર્નામેન્ટના આ તબક્કે ભારત માટે દરેક મેચ મહત્વની છે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવશે તો સેમિફાઇનલની દિશામાં તેનું સ્થાન વધુ મજબૂત બનશે. હાલની ફોર્મ અને આત્મવિશ્વાસને જોતા ભારતીય ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે, પરંતુ દક્ષિણ આફ્રિકાને હળવાશથી લેવાની ભૂલ ભારત કરી શકશે નહીં. ક્રિકેટપ્રેમીઓ માટે આ મેચ રોમાંચથી ભરપૂર રહેવાની છે. હવે જોવાનું એ રહેશે કે હરમનપ્રીત કૌરની ટીમ જીતની હેટ્રિક નોંધાવીને વર્લ્ડ કપમાં પોતાનો વિજયરથ આગળ ધપાવે છે કે પછી દક્ષિણ આફ્રિકા ભારતનો વિજયક્રમ તોડી નાખે છે.