ડીવાયએસપી અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી, પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં ઝડપાયેલો દારૂ કરાયો જમીનદોસ્ત
કરજણ, તા. 21 જૂન
કરજણ પોલીસ ડિવિઝન હેઠળના કરજણ અને વલણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ચ-2026થી 21 જૂન, 2026 દરમિયાન નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી પી. એન. પટેલ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરજણ તાલુકાના બામણગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના પરિસરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા ટ્રકોમાં ભરીને સ્થળ પર લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત અંદાજે ₹1 કરોડ 23 લાખ હોવાનું જણાવાયું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને નશાબંધી વિભાગના અધિકારીઓએ હાજર રહી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલીકરણ અને ગેરકાયદે દારૂના વેપાર સામે કડક સંદેશ આપવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બાઇટ : પી. એન. પટેલ, ડીવાયએસપી