1986થી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા આવનાર 16 જુલાઈના રોજ નીકળવાની છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં મોટો ટેક્નોલોજીકલ ફેરફાર કરવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે રથયાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે પ્રથમ વખત હાઇટેક વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ વર્ષે રથયાત્રામાં સામેલ થનારા તમામ 18 ગજરાજોની અંબાડી પર GPS ટ્રેકર, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ નવી વ્યવસ્થાના કારણે પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ હાથીઓની દરેક હિલચાલ પર રિયલ ટાઇમ નજર રાખી શકશે. ખાસ કરીને જો કોઈ હાથી નિર્ધારિત રૂટથી ભટકશે અથવા તેની ગતિમાં અચાનક ફેરફાર થશે તો GPS સિસ્ટમ તરત જ કંટ્રોલ રૂમમાં એલર્ટ મોકલી દેશે. જેથી સુરક્ષા દળો તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.
હાથીઓની આસપાસની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે દરેક અંબાડી પર 360 ડિગ્રી કેમેરા પણ લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઇવ ફીડ સીધું પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે. જેના કારણે અધિકારીઓ હાથીઓની આસપાસ ભેગી થતી ભીડ, લોકોની અવરજવર અને કોઈપણ અસામાન્ય પરિસ્થિતિ પર નજર રાખી શકશે. આ ઉપરાંત હાથીઓ ભડકી ન જાય તે માટે સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ પણ મહત્વની ભૂમિકા ભજવશે. રથયાત્રા દરમિયાન ડીજે, લાઉડસ્પીકર અથવા અન્ય મોટા અવાજોના કારણે હાથીઓ અસ્વસ્થ બની શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અંબાડી પર ખાસ સાઉન્ડ સેન્સર લગાવવામાં આવશે, જે અવાજનું સ્તર સતત માપશે. જો કોઈ વિસ્તારમાં અવાજની માત્રા નિર્ધારિત મર્યાદા કરતાં વધી જશે તો તંત્રને તરત જાણ થશે અને જરૂરી પગલાં લઈ શકાશે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ GPS, કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમનો સંયુક્ત ઉપયોગ રથયાત્રાની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. કોઈપણ અણધારી ઘટના સર્જાય તે પહેલાં જ તેની જાણ થઈ જશે અને ઝડપી પ્રતિસાદ આપવો સરળ બનશે. આ નિર્ણય પાછળ ગત વર્ષની રથયાત્રાનો અનુભવ પણ મહત્વનો છે. 148મી રથયાત્રા દરમિયાન ત્રણ હાથી અચાનક બેકાબૂ બની ગયા હતા અને નિર્ધારિત માર્ગ છોડીને અન્ય પોળ વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોમાં થોડા સમય માટે નાસભાગ મચી હતી અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. બાદમાં મહાવત અને પોલીસની સમયસર કામગીરીના કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ગત વર્ષે ડીજેના ઊંચા અવાજના કારણે હાથીઓ ભડક્યા હોવાનું માનવામાં આવ્યું હતું. આ જ કારણસર આ વર્ષે સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. અમદાવાદની રથયાત્રા ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મહોત્સવોમાંની એક ગણાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડે છે. આવા વિશાળ ધાર્મિક કાર્યક્રમમાં માત્ર લોકોની સુરક્ષા જ નહીં પરંતુ ગજરાજોની સલામતી અને સુખાકારી પણ એટલી જ મહત્વની છે. આ વર્ષે અમલમાં મુકાયેલી હાઇટેક વ્યવસ્થા સુરક્ષા ક્ષેત્રે એક નવી પહેલ માનવામાં આવી રહી છે. ટેક્નોલોજીના ઉપયોગથી રથયાત્રા વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સફળ બને તેવી તંત્રને આશા છે.