Gujarat

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની મુલાકાતે રાજ્ય પાલ અને મુખ્યમંત્રી,આત્મીય સંવાદ સાથે ખાટલા બેઠક

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય જનજીવનને વધુ સુદ્રઢ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ બે દિવસીય મુલાકાત દરમિયાન કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ જાળવણી અને હરિયાળું ગુજરાત નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવતા વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત યોજાયો હતો. તેમજ આછવણી ગામમાં આશરે 0.75 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવનારા વન વિસ્તારમાં 1600 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ વન ભવિષ્યમાં સ્થાનિક પર્યાવરણને સમૃદ્ધ બનાવશે તેમજ જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

વૃક્ષારોપણ બાદ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે મળીને પ્રતીકાત્મક સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. બંને મહાનુભાવોએ શ્રમદાન કરીને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ગામડાંઓ સ્વચ્છ રહેશે તો લોકોનું આરોગ્ય પણ સારું રહેશે અને વિકાસના માર્ગ પર આગળ વધવું વધુ સરળ બનશે.

મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ નવસારી જિલ્લાના અંતરિયાળ પાણીખડક ગામમાં આયોજિત રાત્રીસભામાં ભાગ લીધો હતો. અહીં તેમણે પરંપરાગત ખાટલા બેઠક યોજી ગ્રામજનો સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો પાસેથી ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ, પીવાના પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને ખેતી સંબંધિત મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામજનોના પ્રશ્નો અને સૂચનો પણ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

ગ્રામજનો સાથેના સંવાદ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશ અને રાજ્યમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અનેક નવા આયામો સ્થાપિત થયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. ગરીબ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ કાર્યરત છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને ગ્રામજનોને પોતાના સંતાનોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષણ જ વિકાસ અને સમૃદ્ધિનો સૌથી મજબૂત આધાર છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને તેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે માતા-પિતાએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન ખર્ચ ઘટાડે છે એટલું જ નહીં, પરંતુ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખે છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને ખેડૂતોને તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતી અંગે નવી જાગૃતિનું સંચાર કર્યું હોવાનું સ્થાનિક ગ્રામજનોમાં જોવા મળ્યું હતું.

Most Popular

To Top