2,060 કરોડના ખર્ચે વીજ લાઈનો જશે ભૂગર્ભમાં,2026ના અંત સુધીમાં HT નેટવર્કનું કામ પૂર્ણ થશે
પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને અકોટાનો સમાવેશ,વીજ વિક્ષેપ ઘટશે, શહેરનું સૌંદર્ય વધશે




( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા શહેરને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વડોદરા મહાનગર પાલિકા અને એમજીવીસીએલ દ્વારા મહત્વાકાંક્ષી વાયર-ફ્રી સિટી પ્રોજેક્ટ પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન અંતર્ગત શહેરની ઓવરહેડ વીજ લાઈનોને તબક્કાવાર જમીનની નીચે ઉતારવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં વધુ વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે.
શહેરમાં કુલ 1700 સર્કિટ કિલોમીટરના ભારે વીજ દબાણ એચટી નેટવર્કમાંથી 1391 સર્કિટ કિલોમીટર નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. બાકી રહેલા 309 સર્કિટ કિલોમીટરનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. તે જ રીતે 3114 સર્કિટ કિલોમીટરના હળવા વીજ દબાણ એલટી નેટવર્કમાંથી અત્યાર સુધી 618 સર્કિટ કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા 2496 સર્કિટ કિલોમીટર નેટવર્કને આગામી બે વર્ષમાં તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને અકોટા વિસ્તારોને આવરી લેવામાં આવશે. અંદાજે 2,060 કરોડના ખર્ચે અમલમાં મુકાનાર આ પ્રોજેક્ટથી વીજ વિક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થશે, જાહેર સલામતીમાં વધારો થશે અને વીજ પુરવઠો વધુ સ્થિર બનશે. સૌથી મોટો ફાયદો એ થશે કે શહેરના રસ્તાઓ પરથી વીજ વાયરોના ગૂંચળા દૂર થતાં શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે. વડોદરાને આધુનિક અને સુવિધાસભર શહેર તરીકે વિકસાવવાના પ્રયાસોમાં વાયર-ફ્રી સિટી પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત વીજ સેવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.