હાલોલ રોડ પર વહેલી સવારે લક્ઝરી બસ ટ્રક સાથે અથડાઈ, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
SSG હોસ્પિટલમાં સારવાર ચાલુ, નાના બાળકો સહિત અનેકને ગંભીર ઇજાઓ
વડોદરા, તા. 17:
વડોદરા નજીક કોટંબી વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બાંસવાડાથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ આગળ ચાલી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને મુસાફરોમાં ચીસોચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધુ મોતની આશંકા સેવાઈ રહી છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને બચાવી વડોદરાની SSG હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર અનેક લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વધુ વ્યક્તિનું મોત થયાની માહિતી સામે આવી રહી છે. જોકે, મૃત્યુઆંક અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બસના ડ્રાઈવર સહિત સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.