Sports

નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે, 275 દિવસ પછી કરશે વાપસી

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા એક્શનમાં પાછા ફરવા માટે તૈયાર છે. તે 19 જૂને દોહા ડાયમંડ લીગમાં પોતાનું પુનરાગમન કરશે, 275 દિવસના અંતરાલ પછી મેદાનમાં પરત ફરશે. 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમા સ્થાને રહ્યા પછી તેણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. નોંધનીય છે કે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં ગોલ્ડ મેડલ અને પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં સિલ્વર મેડલ જીત્યો હતો.

નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ માટે પસંદ કરવામાં આવ્યો છે એક એવી ઇવેન્ટ જેમાં તેણે ગયા વર્ષે 90-મીટરના નિશાનથી વધુ ભાલા ફેંક્યો હતો. હરિયાણાનો રહેવાસી નીરજ હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં તેના ફિઝિયો અને કોચ સાથે 47-દિવસના તીવ્ર તાલીમ શિબિરમાંથી પસાર થઈ રહ્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. જોકે તે સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેણે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 82.61 મીટર ભાલા ફેંકીને ક્વોલિફાય થવું પડશે.

આગામી મહિને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. જો ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ભાગ લે છે તો કુલ ત્રણ ભારતીય એથ્લીટ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે. અન્ય બે એથ્લીટ રોહિત યાદવ અને યશવીર સિંહ પહેલાથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આગામી દોહા ડાયમંડ લીગ વિશ્વના શ્રેષ્ઠ એથ્લીટો વચ્ચે ઉગ્ર સ્પર્ધા છે. ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) અને શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજ જેવા મુખ્ય એથ્લીટ્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. જોકે પેરિસ ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અને પાકિસ્તાની સ્ટાર એથ્લીટ અરશદ નદીમ આ વખતે દોહા ડાયમંડ લીગમાં ભાગ લેતા જોવા મળશે નહીં.

આ શ્રેષ્ઠ ખેલાડીઓ લીગમાં ભાગ લેશે
ભાગ લેનારા ખેલાડીઓની યાદીમાં ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (સિઝન-શ્રેષ્ઠ ૮૬.૦૮ મીટર), યુએસએના કર્ટિસ થોમ્પસન (૮૫.૩૩ મીટર) અને ચેક રિપબ્લિકના જેકુબ વાડલેજ (૮૫.૨૪ મીટર)નો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે દોહામાં યોજાયેલી અગાઉની સ્પર્ધામાં ભારતના નીરજ ચોપરાએ ૯૦.૨૩ મીટરનો પ્રભાવશાળી થ્રો રેકોર્ડ કર્યો હતો પરંતુ જર્મનીના જુલિયન વેબરે તેના અંતિમ (છઠ્ઠા) પ્રયાસમાં ૯૧.૦૬ મીટર ભાલા ફેંકીને ટાઇટલ જીત્યું હતું.

Most Popular

To Top