Vadodara

વડોદરામાં અસામાજિક તત્વો બેફામ: રેલવે સ્ટેશન પાછળ હુમલાથી ફરી કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઉઠ્યા

સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે બોલાચાલી બાદ છડી વડે હુમલો, એક વ્યક્તિ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
હુમલાખોરો તલવાર સાથે મહોલ્લામાં ઘૂસ્યાનો આક્ષેપ; CCTV ફૂટેજના આધારે પોલીસે શરૂ કરી તપાસ

વડોદરા: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાની વધુ એક ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પાછળ સમ્રાટ હોટલ નજીક મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ છડી વડે હુમલો કરતાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે હુમલાખોરો બાદમાં તલવાર જેવા હથિયારો સાથે ખાનગાહ મહોલ્લા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને ધમકીભર્યું વર્તન કર્યું હતું.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ઘટનાના CCTV ફૂટેજમાં કેટલાક શખ્સો કેદ થયા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.

ઘટનાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા શખ્સોની ઓળખ તથા તેમની ભૂમિકા અંગે માહિતી એકત્રિત કરી રહી છે.
શહેરના મધ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

Most Popular

To Top