દખેડાથી વાઘોડિયા જઈ રહેલા વસાવા પરિવારને નડ્યો કાળ, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૪
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ પાસે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક કાળમુખા ડમ્પરે મોટરસાયકલ સવાર દંપતીને અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં અને માનવ માંસના લોચા રોડ પર ફેલાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, ચંદ્રકાંતભાઈ વસાવા ઉંમર ૫૦ વર્ષ અને તેમનાં પત્ની હંસાબેન વસાવા ઉંમર ૪૫ વર્ષ. પોતાની મોટરસાયકલ પર સવાર થઈને દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બેફામ ડમ્પરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે આખેઆખી બાઈક ડમ્પરના વ્હીલ નીચે ફસાઈ ગઈ હતી અને દંપતી રોડ પર ફંગોળાયું હતું.
ચંદ્રકાંતભાઈ ડમ્પરના તોતિંગ વ્હીલ નીચે આવી જતાં કચડાઈ ગયા હતા, જેના કારણે તેમનું અને તેમની પત્ની હંસાબેનનું ગંભીર ઈજાઓ થવાને લીધે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. લોકોની ભારે ભીડ એકઠી થતી જોઈને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ડમ્પર નીચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વાઘોડિયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એકસાથે પતિ-પત્ની બંનેના મોતથી વસાવા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મૃતકોના નામ…
૧) ચંદ્રકાંતભાઈ વસાવા (ઉંમર: ૫૦ વર્ષ)
૨) હંસાબેન વસાવા (ઉંમર: ૪૫ વર્ષ)