Vadodara

વડોદરાની ઐતિહાસિક ‘લાલ કોર્ટ’ને મળશે નવું જીવન: હેરિટેજ ઇમારતમાં બનશે આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ

PM મોદીના શાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓનું સંયુક્ત નિરીક્ષણ
ગાયકવાડી વારસાના સંરક્ષણ માટે મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રોજેક્ટ, રિસ્ટોરેશન કામગીરીની લેવાઈ સમીક્ષા

વડોદરા, તા. 13
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સેવા, સુશાસન અને વિકાસના 12 સફળ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે શનિવારે વડોદરાની ઐતિહાસિક અને ગૌરવશાળી ‘લાલ કોર્ટ’ પરિસરની વિશેષ મુલાકાત અને સંયુક્ત નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરાના હૃદયસ્થાને આવેલી લાલ કોર્ટની ભવ્ય ઇમારતને તાજેતરમાં જ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે. શહેરની આ અમૂલ્ય ઐતિહાસિક ધરોહરના જતન, સંરક્ષણ અને ભાવિ વિકાસની કામગીરીની સમીક્ષા કરવા માટે શહેરના અગ્રણી લોકપ્રતિનિધિઓ તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે શહેરના દંડક બાળ શુક્લા, , મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ સ્થાનિક વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિનિયરોની ટીમ પણ જોડાઈ હતી.
લાલ કોર્ટ પરિસરને માત્ર ઐતિહાસિક સ્મારક તરીકે જ નહીં, પરંતુ શહેરના સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવા માટે અહીં ભવ્ય આર્ટ ગેલેરી અને આધુનિક મ્યુઝિયમ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ દ્વારા ગાયકવાડી યુગના સમૃદ્ધ વારસાને જાળવી રાખવા સાથે તેને જનસામાન્ય માટે વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મુલાકાત દરમિયાન લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓએ રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. હેરિટેજ માળખાની મૂળ ઓળખ જળવાઈ રહે તે રીતે વિકાસ કાર્યો હાથ ધરવા તેમજ પ્રોજેક્ટને સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વડોદરાની ઐતિહાસિક ઓળખ અને ગાયકવાડી વારસો શહેરની અમૂલ્ય સંપત્તિ છે. આવી ધરોહરોનું સંરક્ષણ અને સંવર્ધન કરીને તેને આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનાવવાની જવાબદારી સૌની છે. લાલ કોર્ટનો આ હેરિટેજ પ્રોજેક્ટ વડોદરાના સાંસ્કૃતિક અને પર્યટન ક્ષેત્રને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top