ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 જૂનથી શરૂ થનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી શકે છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ વન-ડે મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ રોહિત ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ઉંમરે વન-ડે રમનાર ખેલાડી બની જશે. હાલ 39 વર્ષના રોહિત શર્મા આ મેચ દરમિયાન 39 વર્ષ અને 44 દિવસના હશે. આ સાથે તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દેશે. અમરનાથે વર્ષ 1989માં ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ 39 વર્ષ અને 36 દિવસની ઉંમરે રમી હતી. હવે રોહિત આ મામલે તેમને પાછળ છોડી દેશે. રોહિત શર્મા તાજેતરમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ સાથે જોડાયા છે અને સીરિઝ માટે સંપૂર્ણ તૈયાર છે. બીજી તરફ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સીરિઝમાં રમશે નહીં. બંને ખેલાડીઓ આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ સુધી મેદાનમાં વાપસી કરે તેવી શક્યતા છે.
રોહિત શર્મા પહેલેથી જ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન વન-ડે ક્રિકેટ અને 2027ના વર્લ્ડ કપ પર કેન્દ્રિત છે. રોહિતની ઈચ્છા 2027નો વર્લ્ડ કપ જીતીને વન-ડે ક્રિકેટને અલવિદા કહેવાની છે. આ માટે તેઓ સતત પોતાની ફિટનેસ અને રમત પર ધ્યાન આપી રહ્યા છે. જોકે IPL 2026માં રોહિતનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ વન-ડે ક્રિકેટમાં તેમનો અનુભવ અને રેકોર્ડ હજુ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે. વધતી ઉંમર વચ્ચે ફિટનેસ જાળવવી તેમના માટે મોટો પડકાર રહેશે. જો તેઓ આગામી એક વર્ષ સુધી સતત સારું પ્રદર્શન અને ફિટનેસ જાળવી રાખશે તો 2027ના વર્લ્ડ કપમાં પણ ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
અફઘાનિસ્તાન સામેની સીરિઝ માત્ર ભારત માટે મહત્વની નથી, પરંતુ રોહિત શર્મા માટે પણ ખાસ બનવાની છે. એક તરફ તેઓ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરશે, તો બીજી તરફ આગામી વર્લ્ડ કપની તૈયારી માટે પોતાની લય અને ફોર્મ સાબિત કરવાની તક પણ મળશે. ભારતીય ટીમની કમાન યુવા બેટ્સમેન શુભમન ગિલના હાથમાં છે, જ્યારે શ્રેયસ અય્યર ઉપકેપ્ટનની ભૂમિકા નિભાવશે. ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ઈશાન કિશન, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનની ટીમ પણ હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળ મજબૂત દેખાઈ રહી છે. ટીમમાં રહમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, મોહમ્મદ નબી, અજમતુલ્લાહ ઓમરઝાઈ અને રશીદ ખાન જેવા મેચ વિનર ખેલાડીઓ સામેલ છે. ધર્મશાલામાં રમાનારી પ્રથમ વન-ડે મેચમાં તમામની નજર રોહિત શર્મા પર રહેશે, કારણ કે તેઓ માત્ર ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમવાનો પ્રયાસ નહીં કરે, પરંતુ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવશે.