નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે કચ્છના દરિયામાંથી કરોડો રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની નાગરિકોને 8 વર્ષની કડક જેલની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે તમામ દોષિતો પર 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બીજી તરફ, કેસમાં પુરાવાના અભાવે 1 ભારતીય નાગરિકને કોર્ટે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સજા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં નશીલા પદાર્થો ઘૂસાડવાના ષડયંત્ર સામે મોટી કાનૂની જીત માનવામાં આવી રહી છે.
જખૌ દરિયામાંથી પકડાયું હતું 330 કિલો બ્રાઉન હેરોઈન
આ સમગ્ર ઘટના મે 2019ની છે, જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એજન્સીઓએ કચ્છના જખૌ કિનારે એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
- ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઘેરી લેતા બોટમાં સવાર લોકોએ માદક પદાર્થોના પેકેટો દરિયામાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો.
- ઓપરેશન દરમિયાન એજન્સીઓએ સફળતાપૂર્વક 330 કિલોગ્રામ બ્રાઉન હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.
- ઝડપાયેલા 6 પાકિસ્તાની નાગરિકો સામે એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
કાયદાકીય જોગવાઈઓ અને દંડની વિગત
એનઆઈએ કોર્ટે કાયદાની વિવિધ કલમો હેઠળ ચુકાદો આપતા ગુનાની ગંભીરતાને આધારે સજા નક્કી કરી છે:
- પાકિસ્તાની નાગરિકોને પાસપોર્ટ નિયમ, 1950 હેઠળ પણ 5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ બંને સજાઓ એકસાથે ચાલશે.
- વિદેશી નાગરિક અધિનિયમ હેઠળ તમામ દોષિતો પર 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- જોકે, સરકારી પક્ષ ગેરકાયદે પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) અને NDPS એક્ટ હેઠળ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા આ કલમો હેઠળ તેમને મુક્ત કરાયા છે.
- દરીયાની વચોવચ ભારતીય બોટમાં માલ સ્વીકારવા આવેલ ભારતીય નાગરિક રમઝાન ગની પલાણીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો છે.
હાલ ગુજરાત સરકાર ડ્રગ્સ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. તાજેતરમાં જ ભરૂચ ખાતે રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 2153 કરોડ રૂપિયાના જપ્ત કરાયેલા ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.