National

દેશમાં આજથી ‘એક અધિકારી એક વાહન’ નીતિ લાગુ, સરકારી ગાડીઓના દુરુપયોગ પર વાગશે બ્રેક

કેન્દ્ર સરકારે સરકારી વાહનોના દુરુપયોગને રોકવા અને સરકારી તિજોરી પર પડતો બિનજરૂરી બોજ ઘટાડવા માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 28 જુલાઈ 2026 થી દેશભરમાં ‘એક અધિકારી એક વાહન’ નીતિ લાગુ કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલયના વ્યય વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર) દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડીને તમામ રાજ્યો અને કેન્દ્રીય વિભાગોને આ નવા કડક નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નવી નીતિ અનુસાર, હવે કોઈપણ સરકારી અધિકારીને માત્ર એક જ સરકારી ગાડી મળશે. જો કોઈ અધિકારી પાસે અગાઉથી જ ગાડી ઉપલબ્ધ હોય અને તેમને અન્ય કોઈ મંત્રાલય કે વિભાગનો વધારાનો ચાર્જ આપવામાં આવે, તો પણ તેઓ બીજી સરકારી કાર મેળવવા માટે હકદાર રહેશે નહીં.

સરકારી સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને ખર્ચમાં કાપ

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નીતિનો મુખ્ય હેતુ સરકારી વાહનો અને સંસાધનોનો યોગ્ય અને સક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. અગાઉ એવું જોવા મળતું હતું કે વાહનો ફાળવી દેવાયા પછી તેનો યોગ્ય ઉપયોગ થતો ન હતો.

  • કોઈપણ અધિકારી વધારાનો કાર્યભાળ સંભાળતી વખતે મંત્રાલય, જાહેર સાહસો (PSUs) કે સ્વાયત્ત સંસ્થાઓ માંથી બીજી કાર લઈ શકશે નહીં.
  • અધિકારીઓ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ કે અર્ધ-સરકારી સંસ્થાઓના વાહનોનો વ્યક્તિગત કે વધારાનો ઉપયોગ કરી શકશે નહીં.
  • જે વાહનો હાલમાં વગર વપરાયેલા પડી રહ્યા છે, તેમને પરત મેળવીને સુરક્ષિત સ્થળે રાખવા અને તેનો વગર કારણે ઉપયોગ અટકાવવા કડક આદેશ અપાયો છે.
  • વાહનોના જાળવણી અને ફ્યુઅલ પર થતા કરોડો રૂપિયાના ખોટા ખર્ચમાં મોટો બચાવ થશે.

નોકરશાહી પર વધશે કડક નિરીક્ષણ

સરકારના આ નિર્ણયથી દેશભરના વહીવટી તંત્ર અને નોકરશાહીમાં મોટી અસરો જોવા મળશે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોને આ નીતિનું ચુસ્તપણે પાલન કરાવવા અને તેના ઉલ્લંઘન પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે. આ પગલાથી સરકારી બાબુઓની ગાડીઓની ફાળવણીમાં પારદર્શિતા આવશે અને કરદાતાઓના પૈસાનો બગાડ અટકશે.

Most Popular

To Top