પોતાના બેબાક અને વિવાદાસ્પદ નિવેદનો માટે સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે ફરી એક વખત સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનોથી ચર્ચા જગાવી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે વિવિધ મુદ્દાઓને લઈને યોજાયેલા વિદ્યાર્થી પ્રદર્શન અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતૃત્વ હેઠળ થયેલા આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને રીલ્સ પર કંગનાએ કડક પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌતે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વાયરલ થયેલા વીડિયોને “ઉલટી લાવી દેનારા” અને “અત્યંત બદસૂરત” ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે પોતાના સમગ્ર જીવનમાં તેમણે એકસાથે આટલી બધી અરાજકતા અને બદસૂરતી ક્યારેય જોઈ નથી. તેમના જણાવ્યા મુજબ, પ્રદર્શન દરમિયાન જોવા મળેલી ભાષા, વર્તન અને સમગ્ર રજૂઆત સમાજ માટે ચિંતાજનક છે.અભિનેત્રીએ વધુમાં સવાલ ઉઠાવ્યો કે આવી વિચારસરણી ધરાવતી પેઢીનું ઘડતર કેવી રીતે થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજની કેટલીક યુવા પેઢી પોતાના વર્તન અને અભિવ્યક્તિ દ્વારા સમાજમાં ખોટો સંદેશ આપી રહી છે. કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને જોવા મળી રહ્યા છે.
કંગનાએ પોતાના સંદેશમાં પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે આધુનિકતા અને સ્વતંત્રતાના નામે કેટલાક લોકો ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિથી દૂર જઈ રહ્યા છે. તેમજ પોતાના પોસ્ટમાં તેમણે કેટલીક મહિલાઓ માટે ‘ગટર જનરેશન’ જેવા શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે આવા લોકો પાસે સમાજને આપવા માટે કોઈ પણ સકારાત્મક દિશા નથી.તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે આજની કેટલીક યુવા પેઢી અભ્યાસ, જવાબદારી અને પરિવારના મૂલ્યો કરતાં દેખાવ, સોશિયલ મીડિયા પ્રસિદ્ધિ અને બેફામ જીવનશૈલીને વધુ મહત્વ આપે છે. કંગનાના મતે, સ્વતંત્રતાનો અર્થ જવાબદારી વગરનું જીવન નથી, પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન કરીને આગળ વધવું છે.
આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. કંગનાના સમર્થકોનું કહેવું છે કે તેમણે સમાજમાં વધી રહેલી કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ અંગે ખુલ્લેઆમ વાત કરી છે, ભારતીય સંસ્કૃતિ, શિસ્તના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે.બીજી તરફ, અનેક યુવાનો, સામાજિક કાર્યકરો અને વિપક્ષી નેતાઓએ કંગનાના નિવેદનની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે સમગ્ર Gen Z પેઢીને આવા શબ્દોમાં સંબોધવી યોગ્ય નથી. તેમના મતે, યુવાનો પોતાના હક્ક, લોકશાહી અધિકારો માટે અવાજ ઉઠાવે છે અને થોડા વીડિયો અથવા કેટલીક વ્યક્તિઓના આધારે આખી પેઢી વિશે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક યુઝર્સ કંગનાના વિચારોને સમર્થન આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમના શબ્દપ્રયોગને અતિશય આક્રમક અને અપમાનજનક ગણાવી રહ્યા છે.તેમજ અનેક લોકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જંતર-મંતર પર થયેલા પ્રદર્શન બાદ શરૂ થયેલો આ વિવાદ હવે સોશિયલ મીડિયા ઉપરાંત રાજકીય ચર્ચાનો પણ મહત્વનો વિષય બની ગયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયાઓ સામે આવે તેવી શક્યતા છે. હાલ સમગ્ર ચર્ચાનું કેન્દ્ર કંગના રનૌતના નિવેદનો અને તેના પર ઉઠી રહેલા સમર્થન તથા વિરોધ વચ્ચે સીમિત છે, જ્યારે સોશિયલ મીડિયા પર આ મુદ્દો સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.