Chhotaudepur

છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખને પદ પરથી હટાવવા આદેશ

બોગસ જાતિના દાખલા મુદ્દે જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય

છોટાઉદેપુર:;છોટાઉદેપુર પંથકમાં છેલ્લા બે માસ થી ભારે ચર્ચિત બનેલા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના બોગસ જાતિના દાખલા મુદ્દે ભારે કશ્મકશ ચાલી રહી હતી. વિશ્લેષણ સમિતિ દ્વારા પાલિકા પ્રમુખનો જાતિ નો દાખલો રદ થયા છતાં તારીખો પર તારીખો આપી બચાવવાનો ખેલ પૂરો થયો હતો. છોટાઉદેપુર નગર પાલિકાના પ્રમુખના અનુસૂચિત જનજાતિના ખોટા જાતિના દાખલા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા જિલ્લા કલેક્ટર સફાળા જાગ્યા હતા. અને આજ રોજ પાલિકા પ્રમુખ નો દાખલો રદ કરી તેમને સભ્યપદે થી દૂર કરવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલી એસટી અનામત બેઠક પરથી ચૂંટણી લડી હતી અને બાદમાં પ્રમુખ બન્યા હતા.પરંતુ ગત ૨૨ મે ૨૦૨૬ ના રોજ વિશ્લેષણ સમિતિ એ તેમનો જાતિનો દાખલો રદ કર્યો હતો.

આ દાખલો રદ થવા છતાં સ્થાનિક તંત્ર અને કલેક્ટર દ્વારા શાસક પક્ષના નેતાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું પ્રમુખનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના સત્તાવાર હુકમને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેઓ પાલિકા પ્રમુખની ખુરશી પર બિરાજમાન રહ્યા હતા. પરંતુ અરજદાર નાયકા વિજયભાઈ નાનિયાભાઈ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે જ્યારે કમિટી દાખલો રદ કરે ત્યારે ચૂંટણી પૂર્વલક્ષી અસરથી રદબાતલ ગણાય છે. તેઓ હોદા પર ચાલુ રહી શકે નહીં. હાઈકોર્ટના આ કડક આદેશ અને ફટકાર બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે.
આજરોજ કલેક્ટરે આખરી નિર્ણય જાહેર કરી પાલિકા પ્રમુખ ને પદ ઉપરથી હટાવાતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર: સંજય સોની, છોટાઉદેપુર

Most Popular

To Top