નિઝામપુરામાં સમયસર પહોંચેલી ફાયર ટીમને કારણે ટળી મોટી દુર્ઘટના,ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વડીવાડી ફાયર સ્ટેશન દ્વારા માનવતા દાખવતી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી છે. નિઝામપુરા વિસ્તારમાં એક બિલ્ડીંગના પ્રથમ માળેથી એક વૃદ્ધ વ્યક્તિ વરસાદી કાંસમાં પડી જતાં ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કરી તેમને સારવાર માટે મોકલી આપ્યા હતા.

ફાયર કંટ્રોલ રૂમને તાત્કાલિક કોલ મળતા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચીને જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિ પ્રથમ માળની ઊંચાઈ પરથી સીધા નીચે વરસાદી કાંસમાં ખાબક્યા અને ઈજાગ્રસ્ત હાલતમાં છે. ફાયર ફાઇટરોએ કોઈપણ વિલંબ કર્યા વિના રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ટીમે ખૂબ જ કાળજી સાથે વૃદ્ધને કાંસમાંથી બહાર કાઢ્યા અને પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને બોલાવીને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડીવાડી ફાયર સ્ટેશનના કર્મચારી ધર્મેશ જાદવે જણાવ્યું કે, અમને કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં પડી ગયા છે. અમે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા. વૃદ્ધ કાંસમાં પડેલા હતા, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી આપ્યા છે. હાલ તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર સમયસર મળેલી માહિતી અને ફાયર ટીમની ઝડપી કાર્યવાહીના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સમયસર મદદ મળવાના કારણે વૃદ્ધનો જીવ બચી ગયો હતો.