Technology

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બન્યું નોકરીઓ માટે પડકાર, એમેઝોન-ઉબરમાં કર્મચારીઓની થશે છટણી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગની અસર હવે વૈશ્વિક રોજગાર બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ હવે વધુને વધુ કામ AI દ્વારા કરાવવા તરફ આગળ વધી રહી છે, જેના કારણે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો ટ્રેન્ડ તેજ બન્યો છે. હવે એમેઝોન અને ઉબર જેવી મોટી કંપનીઓએ પણ વધુ છટણીના સંકેત આપ્યા છે. અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને તેની આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI) ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ નિર્ણય AI સંબંધિત પ્રોજેક્ટ્સને વધુ અસરકારક બનાવવા અને ગ્રાહકો માટે વધુ ઉપયોગી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જોકે, આ રાઉન્ડમાં કેટલા કર્મચારીઓની નોકરી જશે તે અંગે કંપનીએ કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.

આ વર્ષના શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં પણ એમેઝોને મોટા પાયે છટણી કરી હતી. તે સમયે કંપનીએ લગભગ 16,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. હવે ફરી એકવાર છટણી શરૂ થતાં ટેક ઉદ્યોગમાં નોકરીની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. બીજી તરફ, રાઇડ-હેલિંગ કંપની ઉબરે પણ તેના કસ્ટમર સપોર્ટ વિભાગમાં લગભગ 10 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે કંપનીએ પ્રથમ વખત ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે આ નિર્ણય પાછળ AIનો વધતો ઉપયોગ મુખ્ય કારણ છે. કંપનીનું કહેવું છે કે નવી AI આધારિત સિસ્ટમો ગ્રાહકોના ઘણા પ્રશ્નોનો ઝડપી અને અસરકારક રીતે ઉકેલ લાવી રહી છે, જેના કારણે માનવ કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે.

ઉબરમાં ખાસ કરીને કમ્યુનિટી ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ ટીમના કર્મચારીઓ પર આ નિર્ણયની સૌથી વધુ અસર પડી છે. કંપની માને છે કે AIના ઉપયોગથી કામગીરી વધુ ઝડપી બનશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. માત્ર એમેઝોન અને ઉબર જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં માઈક્રોસોફ્ટ, મેટા, ઓરેકલ સહિત અનેક મોટી ટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી છે. મોટાભાગની કંપનીઓ હવે AIને પોતાના વ્યવસાયનું કેન્દ્ર બનાવી રહી છે અને અનેક કામ ઓટોમેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ટેક ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે AIના કારણે ઘણી પરંપરાગત નોકરીઓ પર અસર થશે, પરંતુ તેની સાથે નવી પ્રકારની નોકરીઓ પણ ઉભી થશે. જોકે, તેના માટે કર્મચારીઓએ નવી ટેકનોલોજી, AI ટૂલ્સ અને ડિજિટલ સ્કિલ્સ શીખવી જરૂરી બનશે. 2026 દરમિયાન AIના વધતા ઉપયોગને કારણે ટેક સેક્ટરમાં રેકોર્ડ સ્તરે નોકરીઓમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અનેક કંપનીઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા અને ઉત્પાદનક્ષમતા વધારવા માટે AI આધારિત સિસ્ટમોને પ્રાથમિકતા આપી રહી છે. આવનારા સમયમાં અન્ય ટેક કંપનીઓ પણ આવી જ દિશામાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top