Gujarat

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતું પશુ તસ્કરીનું રેકેટ ઝડપાયું

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે તાપી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કાકરાપાર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતા નેશનલ હાઇવે-53 પર તાડકુવા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી બે આઇશર ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી.બંને ટ્રકની તપાસ દરમિયાન અંદર પશુઓને અત્યંત ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને ટ્રકમાંથી કુલ 30 ભેંસ-પાડાને મુક્ત કરાવ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે બે ટ્રક, મોબાઇલ ફોન સહિત કુલ ₹22.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બે ટ્રકમાંથી 30 પશુઓ મળી આવ્યા
પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે NH-53 પર વાહન ચેકિંગ અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન RJ-21-GD-4018 અને GJ-31-T-5193 નંબરની બે આઇશર ટ્રકોને રોકવામાં આવી હતી. પોલીસ દ્વારા બંને વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા પ્રથમ ટ્રકમાંથી 12 ભેંસ અને એક પાડો, જ્યારે બીજી ટ્રકમાંથી 17 ભેંસ મળી આવી હતી. કુલ 30 પશુઓને ટ્રકમાં અત્યંત ઓછી જગ્યામાં ભરવામાં આવ્યા હતા.

ચાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા
પોલીસની કાર્યવાહી દરમિયાન પ્રથમ ટ્રકમાંથી કરજણના ડ્રાઇવર ઇરફાન સિંધિ અને ક્લીનર સોયબ કાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બીજી ટ્રકમાંથી ભરૂચના શબ્બીર ગની અને કરજણના મુનાફ નડિયાદીને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તથા તેમને ક્યાં પહોંચાડવાના હતા તે અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

પશુઓ ટ્રકમાં ભરાવનાર બે શખ્સ વોન્ટેડ
તપાસ દરમિયાન પોલીસને પશુઓ ટ્રકમાં ભરાવવાની પ્રક્રિયામાં સંડોવાયેલા બે શખ્સોના નામ પણ મળ્યા છે. પોલીસ તપાસમાં વલણ ગામના ફારૂખ ગીરાસીયા અને ઇમરાન સિંધિના નામ સામે આવ્યા છે. બંને હાલ પોલીસની પકડથી બહાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ હવે બંનેની શોધખોળ સાથે સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરી રહી છે.

ટ્રકની ક્ષમતા કરતાં વધુ પશુઓ ભર્યા
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટ્રકની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં પશુઓને એકસાથે ભરવામાં આવ્યા હતા. પશુઓને ટૂંકી દોરીથી ગળા અને પગના ભાગે બાંધી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમને હલનચલન કરવાની પણ પૂરતી જગ્યા મળી રહી નહોતી. લાંબી મુસાફરી દરમિયાન પશુઓ માટે જરૂરી પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. પોલીસ દ્વારા તમામ પશુઓને ટ્રકમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ભરૂચ-વડોદરાથી પશુઓ એકત્ર કરાતાં હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી દિશામાં તપાસ આગળ વધી રહી છે કે પશુઓને ભરૂચ અને વડોદરા પંથકમાંથી એકત્ર કરવામાં આવતા હતા અને ત્યારબાદ સુરત-ધૂળે હાઇવે મારફતે મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. પશુઓનું અંતિમ ગંતવ્ય શું હતું અને આ સમગ્ર હેરાફેરી પાછળ કેટલા લોકોનું નેટવર્ક કાર્યરત છે તે અંગે વધુ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.પોલીસે પશુ સંરક્ષણ સંબંધિત કાયદા તેમજ પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછના આધારે વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવા તેમજ ગેરકાયદેસર પશુ હેરાફેરીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top