Gujarat

સારોલીના સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ, 25 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટમાં બુધવારે બપોરે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના પાંચમા માળે આવેલી ત્રણ દુકાનો આગની ઝપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે. આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની લગભગ 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિવિધ ટીમો દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, માર્કેટના પાંચમા માળે આવેલી ત્રણ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી. દુકાનોમાં મોટા પ્રમાણમાં ટેક્સટાઇલનો માલસામાન અને સ્ટોક હોવાનું જાણવા મળ્યું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, આગની ઝપેટમાં આવેલી દુકાનોમાં અંદાજે રૂ. 3 કરોડ જેટલો માલસામાનનો સ્ટોક હોવાની માહિતી છે. આગના કારણે માલસામાનને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સમગ્ર માર્કેટ ખાલી કરાવાયું
આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે સંપૂર્ણ સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટ ખાલી કરાવવામાં આવ્યું હતું. વેપારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકોને માર્કેટની બહાર કાઢવામાં આવ્યા હતા.આગના ધુમાડા,જ્વાળાઓને કારણે વેપારીઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.ફાયર વિભાગની ટીમો દ્વારા આગ કયા વિસ્તારમાં વધુ પ્રસરી રહી છે તેની તપાસ સાથે તેને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગને કારણે માર્કેટમાં ધુમાડાનું પ્રમાણ પણ વધી ગયું હતું.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અનુમાન
પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આગ કયા સંજોગોમાં લાગી અને તેના કારણે કેટલું નુકસાન થયું છે તેની પણ તપાસ કરવામાં આવશે.હાલમાં ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી. જોકે આગની ગંભીરતા અને માર્કેટમાં રહેલા માલના જથ્થાને જોતા ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે.આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં કેટલો સમય લાગશે તે હાલ કહેવું મુશ્કેલ છે. ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ અને મોટી સંખ્યામાં જવાનો આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે.

Most Popular

To Top