બિહારના 15 જિલ્લાઓની 575 પંચાયતોમાં અંદાજે 50 લાખ લોકો પૂરના પાણીથી ઘેરાયેલા છે. કટિહારમાં સરકારી શાળાઓ અને કોચિંગ સેન્ટરો પાણીમાં ડૂબી ગયા છે; બાળકો હોડીમાં બેસીને વર્ગોમાં હાજરી આપી રહ્યા છે. રાજ્યના 26 જિલ્લાઓ માટે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને વીજળી પડવા અંગેની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે, જેનાથી 26 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લગભગ 4 લાખ લોકો પ્રભાવિત થયા છે. દરમિયાન લખીમપુરમાં શારદા નદીના તીવ્ર ધોવાણને કારણે 24 કલાકના ગાળામાં સાત મકાનો વહી ગયા છે.
ઉત્તરાખંડમાં પિથોરાગઢના આદિ કૈલાશ માર્ગ પર ડોબત ખાતે ભૂસ્ખલનને કારણે રસ્તો ફરીથી બંધ થઈ ગયો છે. રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક સુરક્ષાના કારણોસર યાત્રાળુઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ચાર દિવસ પહેલા ભૂસ્ખલનમાં ઘણા ઘોડા અને ખચ્ચર મૃત્યુ પામ્યા હતા; રસ્તાની બાજુમાં પડેલા મૃતદેહોની દુર્ગંધ અને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીઓ અંગે ફરિયાદો મળી છે.
રાજસ્થાનના 26 જિલ્લાઓમાં 17 સપ્ટેમ્બર સુધી વરસાદ માટે ‘યલો એલર્ટ’ અમલમાં છે. મંગળવારે અજમેર અને પાલી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. દરમિયાન મધ્ય પ્રદેશના પશ્ચિમી વિસ્તારોમાં 17 થી 19 સપ્ટેમ્બર અને પૂર્વીય ભાગોમાં 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે.
ગુજરાત: કચ્છના માંડવીમાં 7 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 110 સ્થળોએ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 7 ઇંચ વરસાદ કચ્છના માંડવીમાં નોંધાયો હતો. સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, આણંદ અને મહેસાણાના કેટલાક ભાગોમાં સવારે હળવા વરસાદની પણ નોંધ લેવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં અપેક્ષિત વરસાદના ૮૪.૭૪% વરસાદ નોંધાયો છે, તેમ છતાં આશરે ૧૫%ની ઘટ યથાવત છે.