Business

ભારતમાં સોનાની આયાતમાં 58%નો તીવ્ર ઘટાડો, ચાંદીની આયાતમાં 127%નો ઉછાળો

આ વર્ષે ઓગસ્ટમાં સોનાની આયાતમાં ભારે ઘટાડો નોંધાયો હતો, જેનું મુખ્ય કારણ ભારત સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટીમાં કરાયેલો મોટો વધારો હતો. વાણિજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે આ મહિના દરમિયાન સોનાની આયાત 57.75% ઘટીને 2.3 અબજ ડોલર થઈ ગઈ છે.

સોનાની આયાતમાં થયેલા આ મોટા ઘટાડાને કારણે દેશની વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ઘટીને પાંચ મહિનાના નીચલા સ્તર એટલે કે 26.86 અબજ ડોલર પર આવી ગઈ છે. બીજી તરફ, ચાંદીની આયાતમાં 127%નો જંગી ઉછાળો જોવા મળ્યો હતો અને તે ઓગસ્ટમાં વધીને 1.02 અબજ ડોલર થઈ ગઈ હતી.

13 મેથી અમલમાં આવે તે રીતે, ભારત સરકારે કિંમતી ધાતુઓ પરની આયાત જકાત (ડ્યુટી) 6% થી વધારીને 15% કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ (2026-27)ના એપ્રિલ-ઓગસ્ટ સમયગાળા દરમિયાન, સોનાની આયાત 3.38% વધીને 17.47 અબજ ડોલર થઈ હતી, જ્યારે ચાંદીની આયાત 8.81% ઘટીને 1.74 અબજ ડોલર થઈ હતી.

ઓગસ્ટમાં ભારતની સોનાની આયાત માટે સ્વિટ્ઝર્લેન્ડ સૌથી મોટો સ્ત્રોત હતો, જેનો કુલ આયાતમાં લગભગ 40% હિસ્સો હતો. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) 16%થી વધુ હિસ્સા સાથે બીજા ક્રમે હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા લગભગ 10% હિસ્સા સાથે ત્રીજા ક્રમે હતું. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5%થી વધુ હતો. ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડથી થતી કુલ આયાત 45.4% ઘટીને 1.28 અબજ ડોલર થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં ભારતની ચીજવસ્તુઓની નિકાસ વાર્ષિક ધોરણે 26.12% વધીને 43.81 અબજ ડોલર થઈ હતી. આ સમયગાળા દરમિયાન, ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ સામાન અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં મજબૂત વધારો નોંધાયો હતો. ઓગસ્ટમાં દેશની આયાત પણ 14.1 ટકા વધીને 70.76 અબજ ડોલર થઈ હતી. આ સમય દરમિયાન ક્રૂડ ઓઈલ, પ્રોજેક્ટ ગુડ્સ (પ્રોજેક્ટ સંબંધિત સામાન), ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ચાંદી તેમજ કોલસો અને કોકની આયાતમાં વધારો જોવા મળ્યો હતો.

Most Popular

To Top