Business

પીપી સવાણી ફૂડ પોઈઝનિંગ પ્રકરણમાં મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં,સંચાલકોને નોટિસ સાથે ₹1 લાખનો દંડ

100 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર બાદ તંત્ર દોડતું થયું; કેન્ટીનમાંથી 10 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

સુરત શહેરના છેવાડે આવેલા અબ્રામા વિસ્તારમાં પીપી સવાણી સ્કૂલના હોસ્ટેલમાં શનિવારે રાત્રે ભોજન લીધા બાદ 100 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ચકચાર મચી ગઈ હતી. શાળામાં અભ્યાસ કરતા આશરે 2,200 વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદો થતાં શાળા સંચાલકો દોડતા થયા હતા.ઘટના બાદ આશરે 88 વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 12 વિદ્યાર્થીઓને સઘન સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે, સારવાર બાદ વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે વધુ વિગતો તંત્ર તરફથી સામે આવવાની બાકી છે.

ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાના આક્ષેપ
ઘટનાની ગંભીરતા વચ્ચે શાળા સંચાલકો દ્વારા મનપાના આરોગ્ય વિભાગને જાણ કરવામાં વિલંબ થયો હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે તે પહેલાં જ કેન્ટીનમાં રહેલા ખાદ્ય પદાર્થોનો નાશ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા હતા.આ ઉપરાંત, ઘટના બાદ રવિવાર સુધી મનપાના આરોગ્ય વિભાગને જાણ ન કરવામાં આવતા શાળા સંચાલકોની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ વધુ ચર્ચામાં આવતા મનપાનું તંત્ર હરકતમાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે કેન્ટીનમાં સઘન તપાસ હાથ ધરી
મામલો સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે પીપી સવાણી હોસ્ટેલની કેન્ટીનમાં તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા કેન્ટીનની સ્વચ્છતા, હાઈજીન અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના 10 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ પોઈઝનિંગનું કારણ અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

શાળા સંચાલકોને નોટિસ, ₹1 લાખનો દંડ
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પીપી સવાણી શાળાના વહીવટી તંત્રને નોટિસ પાઠવવામાં આવી છે અને ₹1 લાખનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ રાજ્યભરની શાળા-કોલેજોની કેન્ટીન અને મેસમાં તપાસ ઝુંબેશ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

સામાન્ય કાર્યવાહી સામે આ કેસમાં દંડની રકમ ચર્ચામાં
આ સમગ્ર મામલે હવે મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી પણ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે ખાદ્યસામગ્રી સંબંધિત નિયમોના ભંગ બદલ આરોગ્ય વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલીક કાર્યવાહીઓ અંગે પ્રેસનોટ તથા ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવે છે.પીપી સવાણી ફૂડ પોઈઝનિંગના આ કેસમાં કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ ઘટના બાદ આરોગ્ય વિભાગને જાણ કરવામાં થયેલા વિલંબ, ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો હોવાના આક્ષેપો અને તપાસની પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં 10 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ અને આરોગ્ય વિભાગની આગળની તપાસ બાદ જ સમગ્ર ઘટનામાં ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ અને જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

Most Popular

To Top